(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2021
જો તમે 16 ફેબ્રુઆરીથી દેશના રાષ્ટ્રી રાજમાર્ગો (National highway) ઉપર યાત્રા કરનારા છો તો આ સમાચાર તમારા માટે છે. હવે ભારતના રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર 720થી વધારે ટોલ પ્લાઝા (Toll Plaza) ઉપર ફાસ્ટેગ પેમેન્ટનો (FASTag) વિકલ્પ ફરજિયાત કરવામાં આવ્યો છે. હવે તમે જો રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર ટોલ પ્લાઝાને પાર કરનારા છો તો પોતાની કાર માટે ફાસ્ટટેક જરૂર લગાવો. કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ અંગે નોટિફિકેશન રજૂ કર્યું છે. હવે ટોલ પ્લાઝા ઉપર કેશ પેમેન્ટ સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યું છે. જો તમારા વાહન ઉપર 15 ફેબ્રુઆરી અડધી રાત બાદ ફાસ્ટેગ નહીં હોય તો તમારે બે ગણો ટોલ ટેક્સ આપવો પડશે. 15 ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગ્યા પહેલા કેશ પેમેન્ટ કરીને ટોલ પ્લાઝા પાર કરી શકો છો.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ છેલ્લા બે દિવસથી કહ્યું હતું કે દેશના દરેક ટોલ પ્લાઝા ઉપર હવે ફાસ્ટેગ ફરજિયાત થશે. ગડકરીએ ચોખ્ખું કહ્યું હતું કે હવે સરકાર ફાસ્ટેગની ડેડલાઈન નહીં વધારે. આવી સ્થિતિમાં જે લોકોએ હજી સુધી પોતાના વાહનો ઉપર ફાસ્ટેગ નહીં લગાવ્યો તો ઝડપથી લગાવી દે નહીં તો આવનારા દિવસોમાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે. 15 ફેબ્રુઆરી બાદથી બધા ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવશે. મંત્રીએ ચોખ્ખું કહ્યું હતું કે કેટલાક લોકો વિચારી રહ્યા છે કે આ વખતે પણ ફાસ્ટેગની તારીખ લંબાઈ શકે છે તો હવે ડેડલાઈન વધારવામાં આવશે નહીં.
ઈલેક્ટોનિક ટોલ કલેકશન ( ETC ) ફાસ્ટેગ શું છે?: ફાસ્ટેગ એ એવી વ્યવસ્થા છે જેમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેક્નોલોજી ( RFID )નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ટોલ પેમેન્ટ સીધા તેની સાથે સંકળાયેલા પ્રિ-પેઈડ એકાઉન્ટમાંથી થાય છે. ફાસ્ટેગને તમારા વીન્ડસ્ક્રીન ઉપર ચોંટાડવામાં આવે છે. તેના કારણે તમારા ફાસ્ટેગ સ્ટીકરની ફ્રીકવન્સી ટોલપ્લાઝમાં લાગેલ સેન્સર સાથે મેચ થઈ જાય છે અને વાહન ચાલક ત્યાંથી સડસડાટ પસાર થઈ શકશે.
કેટલી હશે ફાસ્ટેગની વેલિડિટી: ફાસ્ટેગ વેલિડીટી પાંચ વર્ષ સુધીની હોય છે. એક વાર ફાસ્ટેગ ખરીદ્યા બાદ તેને રિચાર્જ કરાવવાનું હોય છે. અથવા તમે ટોપ-અપ પણ કરાવી શકો છો. ફાસ્ટેગ આખા દેશમાં ચાલશે: ફાસ્ટેગ એ વાહનોની નોન-સ્ટોપ આવન-જાવન માટેનું દેશવ્યાપી ટુલ છે. તે આખા દેશમાં ચાલી શકશે. વન નેશન વન ટોલ નું ઉત્તમ ઉદાહરણ છે. ઈલેક્ટ્રોનિક ટોલ કલેકશન સર્વિસિસ મારફતે ટોલ ફીના કેસલેસ પેમેન્ટની સગવડ મળશે.
ટોલની કપાત કેવી રીતે જાણી શકશો: વાહનચાલક કોઈ પણ ટોલનાકેથી પસાર થશે કે તરત જ ટોલ ટ્રાન્ઝેક્શન થશે એ રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એસએમએસ ( SMS ) પહોંચી જશે. વળી વાહનચાલક રજીસ્ટેશન કરાવે તે પછી વેબસાઈટ ઉપર અમુક સમયાંતરે સ્ટેટમેન્ટ મેળવી શકશે અને પોતાના ફાસ્ટેગ એકાઉન્ટનું સ્ટેટસ પણ જાણી શકશે. ફાસ્ટેગ રિચાર્જ કેવી રીતે કરશો: ફાસ્ટેગ એકાઉન્ટને ચેકથી અથવા ક્રેડિટ, ડેબીટ કે નેફ્ટ NERT/RTGS અથવા નેટબેંકીંગ મારફતે ઓનલાઈન રિચાર્જ કરાવી શકો છો. ફાસ્ટેગ એકાઉન્ટમાં રૂા. 1 લાખ સુધી રિચાર્જ કરાવી શકાય છે. વાહનદીઠ જુદા જુદા રાખવા પડશે ફાસ્ટેગ એકાઉન્ટ?: દરેક વાહન દીઠ ફાસ્ટેગ એકાઉન્ટ બનશે. એક વાહનનું ફાસ્ટેગ એકાઉન્ટ બીજાવાહન માટે વાપરી નહીં શકાય. વાહનની ક્ષમતા અનુસાર ફાસ્ટટેગ મળશે દાખલા તરીકે, લોડિંગ ટ્રક અને કારના ફાસ્ટેગ એકબીજામાં ન ચાલી શકે.
ફાસ્ટેગ ખોવાઈ જાય તો શું કરવુ?: ફાસ્ટેગ ખાવઈ જાય તો તમારે તુરંત જ ફાસ્ટેગ કસ્ટમર કેરમાં કોલ કરીને તમારૂ એકાઉન્ટ બ્લોક કરાવુ પડશે. અને નવું એકાઉન્ટ ખોલી તમારા ખાતાની રકમ તેમા ટ્રાન્ફર કરાવી પડશે. વાહન ચોરી થાય તો ફાસ્ટેગ એકાઉન્ટ બ્લોક કરાવવું પડશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો