સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં વધારો થતાં 12મીએ બિલ્ડરોની હડતાલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-02-2021

સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ભડકો થતા બિલ્ડરો મેદાને આવ્યા છે. હવે બાંધકામ સાઈટો પર વિરોધના બેનર લાગશે અને રાજ્યભરમાં કલેકટરોને આવેદન પાઠવવા આયોજન કરાયું છે. બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ ગુજરાત દ્વારા વિરોધ નોંધવવા બિલ્ડર એસોસિએશનના દરેક પ્રમુખો, સેક્રેટરીઓ, તથા બોર્ડ સભ્યોને પત્ર લખાયો છે અને એક દિવસ પ્રતિકાત્મક બંધ પાળવા પણ સૂચના આપાઈ છે.

બિલ્ડરોના રાષ્ટ્રીય કક્ષાના સંગઠન ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઇન્ડિયા(ક્રેડાઈ)ના ગુજરાત રાજ્યના ચેરમેન સંદીપ શેઠ, પ્રેસિડેન્ટ આશિષ પટેલ અને માનદ્ મંત્રી કિંજલ પટેલ દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદક કંપનીઓ ગેરકાયદેસર રીતે કાર્ટેલ કરીને કોઈપણ કારણ વગર તદ્દન ગેરવ્યાજબી રીતે અસહ્ય ભાવ વધારો કર્યો છે. જેનાથી બાંધકામની પડતર કિંમત વધી હોવાથી સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારો દ્વારા તેનો સખત વિરોધ થઈ રહ્યો છે અને આ ભાવવધારાને કારણે ના છુટકે બિલ્ડરોએ મકાનોની વેચાણ કિંમતમાં 15% થી 20% નો ભાવવધારો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ કુત્રિમ ભાવવધારાના વિરોધના સમર્થનમાં ક્રેડાઈ ગુજરાત, જીઆઈએચઈડી ક્રેડાઈ, બીએઆઈ, જીસીએ, એસીઈ વિગેરે તરફથી સંયુક્ત રીતે સમગ્ર રાજ્યમાં પ્રેસમીટનું આયોજન કરીને પ્રેસ રીલીઝ આપવા, એક દિવસ પ્રતિકાત્મક બંધ પાળવા અને કલેકટરને આવેદન પત્ર આપવાનું નક્કી કરેલું છે.

પત્રમાં ક્રેડાઈ ગુજરાતના દરેક સીટી ચેપ્ટરને સંબોધી જણાવાયું છે કે, આગામી તા.11ને ગુરુવારના રોજ પત્રકાર પરિષદ યોજી આ અંગે પત્રકારોને માહિતી આપવી, તા.12ને શુક્રવારના રોજ આ ભાવ વધારાનો વિરોધ દર્શાવતા બેનર – હોર્ડિંગ બાંધકામ સાઈટના સ્થળે લગાવીને એશોસિયેશનના તમામ સભ્યઓની ઓફિસો અને પ્રોજેક્ટ ઉપર કામકાજ સંપૂર્ણપણે બંધ રખાવવા અને બપોરે 12.00 કલાકે હોદેદ્દારો તથા બોર્ડ સભ્યઓ સાથે સ્થાનિક કલેકટરને આવેદનપત્ર આપી સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો દ્વારા બાંધકામ વ્યવસાયને બાનમાં લેવાના પ્રયાસને સંપૂર્ણ નિષ્ફળ બનાવવા કહેવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો