ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે પ્રાથમિક શાળાઓ? શિક્ષકોને અપાયેલી ખાસ સૂચનાથી શરૂ થયા તર્ક-વિતર્ક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-02-2021

કોરોના વાયરસનો ખતરો હજુ સંપૂર્ણરીતે દૂર થયો નથી, પણ કોરોના કેસોમાં ઘટાડો ચોક્કસ આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે એક સર્કુલર કરવામાં આવ્યો છે, જે મુજબ 9મી ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળાના શિક્ષકોએ હવે સ્કૂલમાં પૂર્ણ સમય હાજરી આપવાની રહેશે. પહેલા તેમને માત્ર સવારના સમય જ હાજરી આપવાની રહેતી હતી. તેના પરથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, રાજ્યમાં ટૂંક સમયમાં જ હવે પ્રાથમિક શાળાઓ પણ શરૂ કરી દેવાશે.

પરિપત્રમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની 100 ટકા હાજરી માટે સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી કોરોના સંક્રમણના પગલે શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામાં આવતા હતા. રાજ્યમાં 15મી ફેબ્રુઆરી કે ફેબ્રુઆરીના અંતમાં ધોરણ 5થી 8ના વર્ગો પણ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

જણાવી દઈએ કે, અગાઉ 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સાથે જ કોલેજોના ફાઈનલ યરના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. તે પછી 1 ફેબ્રુઆરીથી 9 અને 11 ધોરણના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. હવે, પ્રાથમિક શિક્ષકોને પૂર્ણ સમય સ્કૂલમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેના પરથી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે, સ્કૂલોમાં ટૂંક સમયમાં જ 5થી 8ના વર્ગો પણ શરૂ કરી દેવાશે.

જાણવા મળ્યા મુજબ, કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓને પૂછવામાં પણ આવ્યું છે કે, સ્કૂલો રેગ્યુલર શરૂ થાય તો તેઓ પોતાના બાળકોને સ્કૂલ મોકલશે કે નહીં? બાળકો ઓનલાઈન ભણવામાં પૂરતું ધ્યાન આપતા નથી અને સ્કૂલમાં બાળકોને મોકલવામાં વાલીઓનો જીવ કચવાઈ રહ્યો છે. આમ, કોરોનાના કારણે એક બાળકોના અભ્યાસને લઈને એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. જોકે, રાજ્ય સરકારે સ્કૂલો શરૂ કરવાનું જોખમ ઉઠાવવાનું નક્કી કરી લીધું લાગે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો