રાજકોટના ચેરીટેબલ ટ્રસ્ટમાં 22 વર્ષથી બની બેઠેલો બોગસ ડોક્ટર ઝડપાયો

પાર્થ શૈલેશભાઈ માધાણી નામના 22 વર્ષીય બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-02-2021

રાજકોટ શહેર પોલીસ દ્વારા માત્ર ત્રણ દિવસના સમયગાળા દરમિયાન બે બોગસ તબીબોને ઝડપી પાડી તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ દ્વારા પાર્થ શૈલેશભાઈ માધાણી નામના 22 વર્ષીય બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ડી સ્ટાફના પીએસઆઇએ બી. જાડેજા અને તેમના માણસોને બાતમી મળી હતી કે, યુનિવર્સિટી રોડ પર આવેલા ભગત સિંહ ગાર્ડનવાળી શેરીમાં ચિત્રકુટધામ મેઇન રોડ પર ચિત્રકૂટ ધામ નાગરિક સમિતિ ક્લિનિકમાં પાર્થ માધાણી નામનો વ્યક્તિ છેલ્લા બે માસથી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી સર્ટિફિકેટ વગર ડોક્ટરનું રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથી દવા તેમજ ઇન્જેક્શન વગેરે આપી રહ્યો છે.

ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે: ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા આરોપી પાર્થભાઈ માધાણી ઝડપાયો હતો. ત્યારે સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ 419 તેમજ મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે જ મેડીકલ પ્રેક્ટિસના સાધનો દવાઓ તેમજ રોકડ રૂપિયા અને મોબાઇલ સહિત 3,63,943 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસે અને દિવસે કોરોનો વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો રાજકોટ શહેર અને જીલ્લામાં શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તારમાંથી વધુ એક વખત પોલીસ દ્વારા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી ગઇ છે.

આ પહેલા બોગસ ડેન્ટિસ્ટ ઝડપાયો હતો: રાજકોટ શહેરના લક્ષ્મીનગર પીજીવીસીએલ ઓફિસ પાસે આવેલા અનુપમ સોસાયટી શેરી નંબર 4માં કર્મયોગ નામના મકાનમાં ડેન્ટિસ્ટ ડોક્ટર તરીકે અલ્પેશભાઈ ભરતભાઇ જોષી નામના ૪૫ વર્ષીય વ્યક્તિ કોઈપણ જાતની મેડીકલ વિના છેલ્લા ત્રણ વર્ષથી મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા અલ્પેશભાઈ જોષી હોસ્પિટલના સાધનો ઇન્જેક્શન દ્વારા દાંતના બીમારીના દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટિસ કરવી તે અંગે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે જ મેડીસીન અને તબીબી સાધનો સહિત 8700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આરોપી અલ્પેશ ભરતભાઇ જોષી વિરૂદ્ધ આઈપીસીની કલમ 419 તેમજ મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ માલવિયાનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતો.

સામાન્યતઃ આરોગ્યને લગતી તમામ કામગીરી જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કરવાની હોય છે ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની જગ્યાએ નકલી તબીબોને ઝડપી પાડવાની કામગીરી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અહીં સવાલ તો એવો થાય છે કે, આખરે શું આ તમામ બોગસ તબીબો આરોગ્ય વિભાગને રહેમ દ્રષ્ટિ નીચે મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા કે શું? શા માટે આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારના બોગસ તબીબોને ઝડપી પાડવામાં નથી આવી રહ્યા? શું રાજકોટનું આરોગ્ય વિભાગ નિંદ્રાધીન હાલતમાં છે?

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો