મોરબી: અસંતોષ ટાળવા ઉમેદવારોની જાહેરાત ફોન પર જ કરવાની રણનીતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-02-2021

રાજ્યની 6 મહાનગર પાલિકામાં યોજાનાર મતદાન પ્રક્રિયાને ધ્યાને લઇ મુખ્ય રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારના નામની જાહેરાત કરી દેવાઇ છે, જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મોરબીની ત્રણ નગર પાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત ગમે ત્યારે થવાની છે. આ અંગે શહેર પ્રમુખો અને નેતાઓ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જ નામની ઘોષણા કરવામાં અાવશે તેવું રટણ કરી રહ્યા છે.

તો બીજી તરફ અંદરખાને એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે બન્ને મુખ્ય પક્ષો આંતરિક અસંતોષ ખાળવા માટે અલગ જ પ્રકારની રણનીતિ અખત્યાર કરી રહ્યા છે અને દાવેદારોને ટિકિટ મળ્યાનો સીધો ફોન જ કરી દેવાનું વિચારી રહ્યા છે, જેથી અત્યારથી જ રીસામણા અને મનામણા કરવાની નોબત ન આવી પડે.ભાજપ અને કોંગ્રેસ બન્ને કોને ટિકિટ આપવી, કોની ટિકિટ કાપવી તેની મથામણમાં પડ્યા છે.

બન્ને પક્ષ હાલ શું રણનીતિ ઘડી રહ્યા છે તે બાબતમાં કોઈ ખુલીને સામે આવી રહ્યા નથી. બન્નેમાંથી એક પણને પક્ષમાં ચૂંટણી પહેલા જ ભાંગફોડ થાય તે પાલવે તેમ ન હોવાથી મતદાનને ગણતરીના દિવસ બાકી હોવા છતાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.

આજે રવિવારે પાર્લામેન્ટરી બોર્ડ મળ્યા બાદ નામની જાહેરાત કરવામાં આવનાર છે તેવું રટણ કરતા આગેવાનો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દાવેદારોને ટિકિટ આપશે કે કેમ તે અંગે મગનું નામ મરી પાડવા રાજી નથી.વિધાનસભા ચૂંટણી સમયે ભાજપમાં ભળેલા ત્રણ આગેવાનોને ટિકિટ અપાવી કે કેમ તે અંગે હજુ ચર્ચા ચાલી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો