અમદાવાદ: બે હોસ્પિટલોએ મંજૂરી ન હોવા છતાં બારોબાર ખાનગી લોકોને આપી વેક્સીન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-02-2021

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે. કોરોનાનું સંક્રમણ કાબુમાં આવતા રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સીનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવે છે. તેને લઈને ગુજરાતમાં પણ કોરોના વેક્સીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. પહેલા તબક્કામાં આરોગ્યકર્મીઓને કોરોના વેક્સીન આપવામાં આવી હતી અને હવે બીજા તબક્કામાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસકર્મીઓને વેક્સીન આપવામાં આવી રહી છે. જોકે હજુ સુધી સામાન્ય જનતા વેક્સીન લઇ શકશે નહીં કારણ કે, સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ જ સામાન્ય વ્યક્તિને વેક્સીન મળી શકશે ત્યારે કેટલીક જગ્યાઓ પર વેક્સીનેશનની કામગીરીમાં બેદરકારી રાખવામાં આવતી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં વગ ધરાવતા મોટા વ્યક્તિઓને મંજૂરી ન હોવા છતાં વેક્સીન આપવામાં આવી રહી છે. આ મામલો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં કોરોના વોરિયર્સ ન હોય તેવા બે નાગરિકોને વેક્સીન આપવા બાબતે અમદાવાદની બે હોસ્પિટલોને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદની બે હોસ્પિટલો એ બે નાગરિકોને કોરોના કોરોના વેક્સીન આપી હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળી હતી. જેથી આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરીને અમદાવાદની સાનિધ્ય અને GCS હોસ્પિટલને નોટિસ ફટકારી છે અને સામાન્ય નાગરિકને કોરોનાની વેક્સીન શા માટે આપવામાં આવી તે બાબતે ખુલાસો માગ્યો છે. આગામી દિવસોમાં આ બંને હોસ્પિટલો દ્વારા ખુલાસો નહીં આપવામાં આવે તો હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી વાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા એકત્રિત કરીને તેની સંખ્યાના આધારે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સીનની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે જો આ બે હોસ્પિટલો એ બે નાગરિકોને કોરોના વેક્સીન આપી છે તો હોસ્પિટલની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે, હોસ્પિટલે કયા આરોગ્યકર્મીને કોરોના વેક્સીન આપી નથી. જો આ જ પ્રકારે હોસ્પિટલોની ગેરરીતિ સામે આવશે તો કોરોના વેક્સીન તમામ કોરોના વોરિયર્સ સુધી પહોંચશ કે, નહીં તે બાબતો પર પણ સવાલ ઉઠશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો