8 ફેબ્રુઆરીથી કોલેજમાં ફર્સ્ટ યરના વર્ગો શરું : સરકારનો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-02-2021

ગુજરાતમાં કોરોના કહેરની ઓછી થતી અસરો વચ્ચે આશરે 10 મહિના પછી ફરી કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરું થવા જઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરત કરતા જણાવ્યું કે આગામી 8 ફેબ્રુઆરી 2021 સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે. તમામ પ્રકારની કોરોના ગાઈડલાઇન્સ જેવી કે સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝન સહિતની SOPના પાલન સાથે આ વર્ગખંડો પુનઃ શરૂ કરવામાં આવશે. આ સાથે જ હોસ્ટેલ ફરી ખોલવા માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહી શકે.

આ ઉપરાંત હોસ્ટેલમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું- હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની SOPનું પાલન કરવાનું રહેશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા 8 ફેબ્રુઆરી 2021થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત સાથે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે રીતે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડ મેનરમાં ગોઠવવાની રહેશે.

આ અંગે વધુ વિગતો આપતા શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતને ધ્યાને રાખી રાજ્ય સરકારે અગાઉ તા.11 જાન્યુઆરી 2021થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયરના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો શરૂ કરાવ્યા હતા.

હવે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.8 ફેબ્રુઆરી 2021 સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ વર્ગખંડ અને લેબ શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે અંતિમ વર્ષ અને પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યા બાદની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા તેમજ સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે. તેમજ રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જેને મહામારીના પ્રકોપ દરમિયાન કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી. આ હોસ્ટેલ્સને હવે વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP તૈયાર કરી છે. જે મુજબ આવી સમરસ હોસ્ટેલ પૂન: શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાંરૂપે સેનિટાઇઝેશનની સાથે હોસ્ટેલમાં આવતા વિદ્યાર્થીઓને પણ હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ બાબતે જાણકારી આપવામાં આવશે.

આ SOPમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહીં અપાય એટલું જ નહિ કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી. સરકાર દ્વારા આપવામાં આવેલ SOPમાં નીચે મુજબના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

– હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવામાં આવશે.- જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવા સાથે વધારે ભીડને ટાળીને નાના સમૂહોમાં ભોજન પીરસવામાં આવશે.

– વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવામાં આવશે.

– હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે.

– વિદ્યાર્થીઓ પાસે હોસ્ટેલ કેમ્પસમાં સ્વયં-શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીનું પાલન કરવાનું કહેવામાં આવશે.

– વિદ્યાર્થીઓને નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી, સામાજિક અંતર જાળવવું, આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળવું, હંમેશા ફેસ માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવશે.

– હોસ્ટેલના દરેક ફલોર પર સેનીટાઇઝર આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ અથવા સ્ટાફ વસ્તુઓની આપ-લે કર્યા પછી, દિવાલો, દરવાજા, દરવાજાના હેન્ડલ, સીડીની રેલીંગ, સ્વીચો વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કર્યા પછી પોતાને સેનીટાઇઝ કરી શકશે જે તેમના માટે હિતાવહ રહેશે.

– હોસ્ટેલ કોરિડોરમાં સામાજિક અંતર જાળવવા ખાસ વ્યવસ્થા ઉભી કરાશે.

– હોસ્ટેલ બિલ્ડીંગના કોઇપણ ભાગમાં વિદ્યાર્થીઓ કે સ્ટાફને ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

– હોસ્ટેલમાં રમાતી તમામ પ્રકારની રમતો પૈકી જેમાં શારીરિક સ્પર્શ થઇ શકે તેવી રમતોને રમવાની મંજૂરી નથી. તેમજ કેમ્પસમાં જિમ સુવિધા પણ બંધ રહેશે.

– હોસ્ટેલના ભોજનાલય કે અન્ય જગ્યાએ ફરજ પરના કર્મચારીઓને દરરોજ તેમની ફરજ શરૂ કરતા પહેલા આરોગ્યની સ્થિતિ માટે તપાસવામાં આવશે અને ફરજ દરમિયાન ફેસ-માસ્ક, હેડકવર અને હેન્ડ ગ્લોવ્ઝ ફરિજયાત રાખવાના રહેશે.

– સપાટીઓ અને ફલોરની સફાઇ માટે ફુડ ગ્રેડ ડીસઇનફેકટસનો ઉપયોગ કરવો. શાકભાજી કે અન્ય ખાદ્ય પદાર્થોને ધોવા માટે કોઇ બ્લીચ, વોશિંગ સોડા, ડીટરજન્ટ પાવડરનો ઉપયોગ ન કરવો. તાજા શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોને કાપતા પહેલા ગરમ પાણીથી ધોવાના રહેશે.

– દરેકને પોતાની પાણીની બોટલ લાવવા અને જનરલ પાણીની બોટલ/મગ/ગ્લાસનો ઉપયોગ ટાળવાનું કહેવામાં આવ્યું છે.

– કોઇ સ્ટાફ અને વિદ્યાર્થીને અથવા તેમના કુટુંબના સભ્યોમાંથી કોઇને ચેપ લાગ્યો હોય/ કોવિડ-19ની સારવાર મળી હોય તો તેની જાણ કરવી પડશે.

– માંદગી/આરોગ્યના કોઇ પણ લક્ષણોના કિસ્સામાં સ્ટાફને ક્લિનિકલ સારવાર માટે નજીકની COVID સારવાર સુવિધામાં મોકલવાના રહેશે.

– કર્મચારીઓએ લંચ માટે તંત્ર દ્વારા આપવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સખત પાલન કરવાનું રહેશે અને સિકયુરિટી ગાર્ડ અને મેસ સ્ટાફ દ્વારા ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર રાખવાની રહેશે.

– થર્મલ સ્કેનરો, સેનિટાઇઝર, વગેરેની પૂરતી વ્યવસ્થા રિસેપ્શન એરિયા સહિતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર ઉપલબ્ધ કરાવવાની રહેશે.

– હોસ્ટેલ કેમ્પસની એન્ટ્રી/એકઝીટ પર લાઇનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ગેટ પર ૬ ફુટના અંતર સાથે ચોક્કસ નિશાનો બનાવવા અને તેનું પાલન કરવું.

– જો સંસ્થામાં એન્ટ્રી/એકઝીટ માટે એક કરતા વધુ ગેટ હોય તો ભીડ ન થાય તે માટે તમામ ગેટનો પૂરતી કાળજી સાથે ઉપયોગ કરવો.

– તાવ, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો ધરાવતા લોકોને અંદર પ્રવેશવાની મંજૂરી આપવી નહીં.

કોલેજોના પ્રથમ વર્ષના શૈક્ષણિક વર્ગખંડો શરૂ કરવા સાથે હોસ્ટેલ્સનો પણ આવાસ-નિવાસ હેતુથી પૂન: ઉપયોગ કરવા અંગે SOP જાહેર કરતા તેના પાલન અંગે શિક્ષણ અગ્ર સચિવે ભાર આપ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો