4મેથી શરુ થશે CBSE બોર્ડની પરીક્ષા, 11 જૂનના રોજ થશે પૂરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-02-2021

કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને પહોંચ્યું છે જોકે, વેક્સીન આવ્યા પછી સ્થિતિ ધીરે ધીરે પૂર્વવત થઈ રહી છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ આજે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે આ બાબતની જાણકારી આપી હતી અને ટ્વીટર પર તારીખો જાહેર કરવાની સાથે જ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

કેન્દ્રિય શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા: કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે ટ્વીટ કરીને પરીક્ષાની જાણકારી સાથે જ શુભેચ્છા આપતા લખ્યું હતું કે,’ડિયર સ્ટૂડન્ટ્સ, મહેરબાની કરી આશ્વસ્ત રહો કે અમે એ સુનિશ્ચિત કરવા માટે પૂરી કોશિશ કરી છે કે પરીક્ષાનું આયોજન વ્યવસ્થિત રીતે થાય. તમને શુભેચ્છાઓ’. વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઈટ Cbse.nic.in પર જઈને પણ બોર્ડ પરીક્ષાનો સમગ્ર કાર્યક્રમ ડાઉનલોડ કરી શકે છે.

4મેથી 10 જૂન સુધી યોજાશે પરીક્ષા : પરીક્ષાઓ ચોથી મેથી 10 જૂન સુધી યોજાશે. ડેટ શીટ મુજબ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. 10માંની પરીક્ષા 7 જૂન સુધી જ્યારે 12માંની પરીક્ષા 11 જૂન સુધી ચાલશે. પરીક્ષા ઓફલાઈન યોજાશે અને પેપરમાં 33% ઈન્ટરનલ ચોઈસના સવાલ જ હશે. પરીક્ષાનો સિલેબસ પણ 30% જ કરવામાં આવ્યો છે. નિશંકે એ પણ જણાવ્યું કે, સ્કૂલ પહેલી માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ કરશે પરંતુ જો કોરોનાનો પ્રકોપ વધશે તો પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન પછી પણ થઈ શકે છે.

કોવિડ પ્રોટોકોલનું રખાશે ધ્યાન: પરીક્ષાનું આયોજન કોરોનાકાળમાં થઈ રહ્યું છે ત્યારે કોવિડ પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. પરીક્ષામાં ફેસ માસ્ક પહેરવું પણ ફરજિયાત રહેશે તો સાથે જ સેનેટાઈઝર પણ રાખવું પડશે. આ ઉપરાંત એક્ઝામ સેન્ટરમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો