મોરબીમાંથી 100 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, 2ની ધરપકડ

SGST, CGST અને સેન્ટ્રલ ઈન્ટેલીજીન્સ એજન્સીનો કૌભાંડીઓ પર સકંજો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-02-2021

રૂા.15 કરોડની ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ લઈ લીધી: રૂા.1 કરોડની રોકડ ઝડપાઈ: અનેક સિરામિક અને મીનરલ્સ યુનિટ ઝડપે ચડશે

સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ફુલપ્રુફ જીએસટી સિસ્ટમના ધજીયા ઉડાવી બોગસ બિલીંગનો કારોબાર ચલાવી અનેક લોકો દ્વારા કરોડ રૂપિયાની ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ લઈ સરકારી તિજોરીને ચુનો ચોપડી રહ્યા છે તેને ઝડપવામાં આવી રહ્યા છે. ત્યારે સેન્ટ્રલ ઈન્ટેલીજીન્સ એજન્સીએ આ અભીયાનમાં જોડાઈને મોરબીમાંથી રૂા.100 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લઈ માસ્ટર માઈન્ડ સહિત બે લોકોની ધરપકડ કરી છે અને રૂા.1 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. હવે તેમની પાસેથી બોગસ બીલ ખરીદનારાઓને સકંજામાં લેવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ ઈન્ટેલીજીન્સ એજન્સીના અધિકારીઓ દ્વારા બોગસ બીલીંગ કરનારાઓને શોધવા માટે ગુપ્તરાહે માહિતી ડેટા સાથે કેટલાક સમયથી એકત્ર કરવામાં આવી રહી છે અને આ માહિતી ખરાઈ કરવામાં આવ્યા બાદ મોરબીમાં અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો અને વિરાટ મોરડીયા અને હિંમતભાઈ અઘારા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમના દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા બોગસ બીલનો આંક મેળવવા ડેટા મેળવવામાં આવ્યા હતા. તેની ગણતરી કરવામાં આવતા આ બન્ને લોકો દ્વારા અત્યાર સુધીમાં રૂા.100 કરોડના બોગસ બીલો ઈસ્યુ કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. હાલ એજન્સી દ્વારા આ બન્ને પાસેથી બીલોની ખરીદી કરનાર સિરામીક તથા મીનરલ યુનિટના સંચાલકો કે જેમને બીલો ખરીદ કર્યા છે તેના થોકબંધ ડેટા હાથ લાગ્યા છે અને તેઓની આગામી દિવસોમાં ઈન્કવાયરી શરૂ થનાર છે અને તેને આધારે સર્ચની કાર્યવાહી કરવાની જરૂર પડશે તો જે તે યુનિટમાં કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

નાટકીય રીતે રૂા.1 કરોડ જપ્ત કરવામાં આવ્યા: સેન્ટ્રલ ઈન્ટેલીજીન્સ એજન્સી દ્વારા જ્યારે હિંમત ટ્રેડીંગવાળા હિંમતભાઈને તપાસની કાર્યવાહી ચાલુ હતી ત્યારે વિરાટનો ફોન આવ્યો હતો કે બેંકમાંથી રૂા.1 કરોડ ઉપાડી લીધા છે તે ક્યાં આપી જાવ. તેવું કહેતા જે જગ્યાએ રૂપિયા દેવાનું નકકી થયું ત્યાં એજન્સીના અધિકારીઓ હિંમતભાઈને સાથે રાખી ગયા હતા અને દુર ઉભા રહી જેવી રોકડ આપી કે તુરંત જ વિરાટને પણ ઝડપી લીધો હતો.

નવી જ મોડસ ઓપરેન્ડ પ્રકાશમાં આવી: સેન્ટ્રલ ઈન્ટેલીજીન્સ એજન્સીએ ઝડપી લીધેલા રૂા.100 કરોડના બોગસ બીલીંગ કૌભાંડમાં નવી જ મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે. જેમાં વિરાટ દ્વારા બીલો બનાવવામાં આવતા હતા અને તે બીલો હિંમતભાઈ અઘારાને આપવામાં આવતા અને તેનું કમિશન વિરાટને મળતું હતું. આ બીલો બાદમાં સિરામીક અને મીનરલ યુનિટના સંચાલકોને હિંમતભાઈ દ્વારા આપવામાં આવતા હતા.

કેમીકલના વેચાણ પર 18 ટકા આઈટીસી મળે છે: ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ વધુમાં વધુ મળી શકે તે માટે કૌભાંડીઓ દ્વારા કેમીકલના બીલો બનાવવાનું શરૂ કર્યું હતું. કેમ કે તેના પર 18 ટકા આઈટીસી ચુકવવામાં આવે છે. તેથી અનેક સીરામીક તથા મીનરલના યુનિટો દ્વારા આવા બોગસ બીલો ખરીદ કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેથી આગામી દિવસોમાં બીલોની ખરીદી કરનારને સાણસામાં લેવામાં આવશે.

માત્ર બીલોની જ હેરાફેરી, કારગોની કોઈ મુવમેન્ટ નહીં: જે કૌભાંડ ઝડપાયું છે તેમાં માત્ર બીલોની હેરફેર કરવામાં આવતી હતી, કોઈપણ જાતના કારગોની હેરાફેરી કરવામાં આવતી ન હતી અને આવા બોગસ બીલોના આધારે અત્યાર સુધીમાં રૂા.15 કરોડની ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ લઈ લેવામાં આવી હતી. જીએસટીના કાયદા મુજબ બીલ લેનાર અને ખરીદનાર બન્ને પક્ષથી રિકવરી ઉપરાંત 100 ટકા પેનલ્ટીની પણ વસુલાત કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો