કોરોનાની રસી મૂક્યા બાદ મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-01-2021

રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે વેક્સિન લીધા બાદ મોત થયાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પણ કોરોના વોરિયર્સને રસી મૂકવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વડોદરાના વોર્ડ નં-9માં કામ કરતા સફાઇ કર્મચારીનું કોરોનાની રસી મૂક્યાના બે કલાક બાદ મોત નિપજ્યું હતું. જેને કારણે પરિવારજનોએ સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને પરિવારજનોએ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ આપવાનો ઇન્કાર કર્યો હતો. સફાઇ કર્મચારી યુવાનના મૃતદેહ પાસે તેની પત્નીએ હૈયાફાટ રૂદન કરતા હોસ્પિટલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાઇ આવતુ નથીઃ સુપ્રિટેન્ડેન્ટ

વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાઇ આવતુ નથી. તેમ છતાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. મૃતક યુવાને 2016માં હ્રદય રોગના કારણે શહેરી હાર્ટ હોસ્પિટલમાં સારવાર લીધેલી છે અને એન્જિયોપ્લાસ્ટી પણ કરાવેલી છે, તેઓએ જે દવાઓ લેવાની હતી, તે લીધી નથી, પરંતુ, તેમના પરિવારે આક્ષેપ કર્યાં છે, જેથી પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જ રસી લે છે, કોઇને જબરદસ્તી કરવામાં આવતી નથી.

કોરોનાની રસી મૂક્યા બાદ મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ: વડોદરા શહેરના વડસર ખાતે આવેલી ઓમ રેસિડેન્સીમાં રહેતા જીગ્નેશ પ્રવિણભાઇ સોલંકી વોર્ડ નં-9માં સફાઈ કર્મચારી તરીકેનું કામ કરતા હતા. તેઓ પત્ની અને બે પુત્રી સાથે રહેતા હતા. આજે કોરોનાની રસી મૂક્યા બાદ હોસ્પિટલના બિછાને મોત નીપજયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

અમે ના પાડીએ છીએ તો પણ રસી આપવાનું કારણ શું છેઃ મૃતકની પત્ની:  મૃતક જિગ્નેશભાઇના પત્ની દિવ્યાએ જણાવ્યું હતું કે, અમે ના પાડીએ છીએ તો પણ રસી આપવાનું કારણ શું છે, તેઓને આજે વોર્ડ નં-9ની કચેરીથી જ બારોબાર કોરોના રસી મૂકવા માટે લઇ ગયા હતા. રસી મૂકાયા બાદ તેઓ ઘરે પરત ફર્યાં હતા અને ઘરે આવીને સ્નાન કર્યાં બાદ તેઓને અચાનક ખેંચ આવી હતી અને તેમનું બોલવાનું બંધ થઈ ગયું હતું. જેથી તત્કાલિક તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મારી બે છોકરીઓ છે, એની જવાબદારી કોણ લેશે. આ અંગે પરિવારજનોએ કોરોના રસી મૂકાયા બાદ તેઓનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો