હવે આધારની મદદ મેળવી શકશો લર્નિંગ લાયસન્સ, RTO નાં ધક્કાખાવામાંથી મળશે રાહત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-01-2021

નવું લર્નિગ ડ્રાઇવિંગ લાઇસન્સ, હંગામી વાહન નોંધણી વગેરે મેળવવા માટે તમારે રાજ્યોની પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) ની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. હવે ઘરે બેઠા બેઠા આ બધા કામો કરવાનું શક્ય બનશે. કેન્દ્ર સરકાર પરિવહન ક્ષેત્રે કુલ 16 સુવિધાઓ ઓનલાઇન કરવા જઈ રહી છે. લોકોએ પોતાનો આધારકાર્ડ નંબર સરકારી પોર્ટલ પર પ્રમાણિત કરવો પડશે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે તમામ રાજ્યો પાસેથી 29 જાન્યુઆરીએ 15 દિવસમાં આ સંદર્ભે સૂચનો અને વાંધા માંગ્યા છે. આ પછી, નવા નિયમનો અમલ આવતા મહિના એટલે કે ફેબ્રુઆરી સુધીમાં કરવામાં આવશે. નવા નિયમમાં સરકારી પોર્ટલ પર આધારકાર્ડ નંબરનાં વેરિફિકેશન અને પરિવહન ક્ષેત્રે 16 સુવિધાઓ ઓનલાઇન શરૂ કરવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને પરિવહન ક્ષેત્રની કામગીરીને સંપર્કવિહીન બનાવવામાં આવી રહી છે. આમાં મુખ્યત્વે નવું લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, નવીકરણ, ડુપ્લિકેટ ડી.એલ., ડી.એલ. તથા વાહન રજીસ્ટ્રેશનમાં સરનામું બદલવું, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ, કામચલાઉ વાહન નોંધણી, નોંધણી માટે એનઓસી, ડુપ્લિકેટ નોંધણીનું પ્રમાણપત્ર, વાહન ટ્રાન્સફર વગેરેનો સમાવેશ થાય છે. અધિકારીએ કહ્યું કે આધાર પ્રમાણીકરણ સાથે, ડી.એલ. અને વાહન નોંધણી માટે ઘણા પ્રકારના દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. આનાથી રાજ્યોમાં આરટીઓનાં કામકાજમાં પારદર્શિતા આવશે. આ કચેરીઓને ઓનલાઈન બનાવવા માટે માહિતી ટેકનોલોજી મંત્રાલયની મંજૂરી મળી ગઇ છે.

ઓનલાઇન આધારકાર્ડની નવી સિસ્ટમથી વિવિધ રાજ્યોમાં એક જ વ્યક્તિ દ્વારા મલ્ટીપલ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે. તો, ચોરાઇ ગયેલા વાહનોનું બીજા રાજ્યમાં રજીસ્ટ્રેશન કરાવવાનાં ગોરખધંધા બંધ થશે, મંત્રાલયે જણાવ્યું છે કે વેરિફિકેશન માટે વૈકલ્પિક દસ્તાવેજ તરીકે આધાર અપનાવવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો