(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-01-2021
ગુજરાતના 4 મહાનગરોમાં 1 ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે સોમવારથી રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી જ કર્ફ્યુ રહેશે. જે આગામી 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. હાલમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી છે. સાથે જ લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહી પરંતુ હવે 100ની જગ્યાએ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા. 27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1 લી ફેબ્રુઆરીથી તા.28 ફેબ્રુઆરી સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. પંકજકુમારે કહ્યું કે, રાજ્યમાં ક્ધટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી એસઓપીનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી તા. 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુનો અમલ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તુણકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે. નેશનલ ડાયરેકટીવ્ઝ ફોર કોંવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો