26મીથી સુરતની દાઉદી વ્હોરા મહિલા દુરૈયા તપિયા દેશવ્યાપી ટ્રક રાઈડ કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-01-2021

ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઇક રાઇડ કરી બાઇકર્સ તરીકે પોતાની ઓળખ પ્રસ્થપિત કરનાર સુરતની દાઉદી વ્હોરા સમાજની મહિલા દુરૈયા મુસ્તુફા તપિયા હવે ટ્રક રાઈડ કરશે. આગામી 26મી જાન્યુઆરીએ નવસારી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાઈડને ફ્લેગ ઓફ કરશે. 35 દિવસની આ સફર દરમિયાન 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજાર કિમીનું અંતર કાપવા આવશે.

દૂરૈયા તપીયાએ જણાવ્યું હતું કે, રાઈડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશનો સ્વચ્છ ભારત, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર ભારત અને કોરોના અંગે જાગૃતિ સંદેશ અપાશે. આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિ:શુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાશે. આ સિવાય 13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલીગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓને પણ મળશે. ઠેક ઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ થશે. રાઇડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે.

35 દિવસ સુધી એકલા હાથે ટ્રક ચલાવી 13 રાજ્યોની સફર ખેડનાર દુરૈયા તપીયાએ જણાવ્યું કે, સામન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે, ત્યારે મારા માટે આ મુશ્કેલ જરૂર હતું પણ અશક્ય નહીં. એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ આરટીઓમાં હેવી લાઈસન્સ માટેની પ્રોસેસ કરી હેવી લાઈસન્સ મેળવ્યું અને અને હવે રાઇડ માટે તૈયાર છું. મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારીને હજારો કિમીની સફર ખેડશે આ એક ગૌરવની વાત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગણપત ભાઈ વસાવાએ દુરૈયા તપિયાના સાહસની પ્રશંસા કરી સાથે શુભેચ્છા પાઠવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો