છોટાઉદેપુરમાં વેક્સિન લીધા પછી બે આશા વર્કર બહેનોને થઇ આ આડઅસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2021

16 જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઇ ગઈ છે. સૌ પ્રથમ હેલ્થવર્કરોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં 161 વેક્સિનેશનની કામગીરી શરૂ થઇ છે. 16 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યા સુધીમાં 11,800 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં શનિવારના રોજ પાવીજેતપુરની બે આશાવર્કર બહેનોને વેક્સિન આપ્યા પછી રીએક્શન આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેક્સિન આપ્યા પછી છોટાઉદેપુરમાં પાવીજેતપુરની મહિલા અને બીજી બોડેલીની મહિલાની તબિયત લથડી હતી. સામાન્ય સારવાર પછી બંને મહિલાઓ સ્વસ્થ થઇ હતી.

રિપોર્ટ અનુસાર પાવીજેતપુર તાલિકાના સુસ્કાલ PHC સેન્ટરમાં ફરજ બજાવતી એક મહિલાને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ આ મહિલાને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ તેને ચક્કર આવવા લાગ્યા હતા. વેક્સિન લીધા પછી મહિલાની તબિયત થોડી ખરાબ થઇ હોવાના કારણે તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. સારવાર બાદ મહિલા સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત બોડેલી તાલુકામાં આવેલા સુર્યાઘોડાના PHC સેન્ટરમાં ફરજ બજાવતી એક મહિલાની તબિયત પણ વેક્સિન આપ્યા પછી થોડી ખરાબ થઇ હતી. વેક્સિન લીધા પછી મહિલાને ગભરામણ થવા લાગી અને ચકકર આવ્યા લાગ્યા હતા. તેથી તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ તેને સારવાર આપવામાં મહિલા સ્વસ્થ થઇ હતો અને હાલ બંને મહિલાઓને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ડૉકટરોનું કહેવું છે કે, કોરોનાની વેક્સિન લીધા પછી કોઈ પણ વ્યક્તિને સામન્ય દુખાવો થવો, માથું દુખવું, ઉબકા આવવા, ઠંડી લાગવી, શરીરમાં સામાન્ય નબળાઈ આવવી અને સામાન્ય તાવ આ બધા સામાન્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણોથી ગભરાવવાની જરૂર નથી. કારણ કે, આ લક્ષણો પેરસિટામોલ અને એવિલ ટેબ્લેટથી દૂર થાય છે. જેથી વેક્સિનેશનને લઇને કોઈ પણ પ્રકારની આડઅસરની અફવાઓથી દૂર રહેવું જોઈએ. મહત્ત્વની વાત છે કે, આરોગ્યકર્મીઓને પહેલો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં 50 વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને બીજા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો