ભર શિયાળે વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-01-2021

શિયાળાની ઠંડીના માહોલમાં ફરી એકવખત માઠા વાવડ મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થવાનું મોટું જોખમ છે. અવારનવાર હવામાનમાં આવતા પલટાને કારણે શિયાળું પાકને માઠી અસર થઈ રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટી ખોટ ખાવાનો વારો આવે છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો જોવા મળે એવી સ્થિતિ છે.

હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે એક મોટી આગાહી કરતા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ જોવા મળશે. જેની એક સિસ્ટમ સક્રિય થશે. આની અસરને કારણે ઉત્તર ભારતથી લઈને ગુજરાત રાજ્ય સુધી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં વાતાવરણમાં એક પલટો જોવા મળશે. જેના કારણે માવઠું પડશે. એક સાથે બે સિસ્ટમને કારણે વેસ્ટર્ન ડિસ્ટબન્સ જોવા મળશે. આ અસરથી ઉત્તર ભારત, રાજસ્થાન, ગુજરાત, મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. તા.1થી 11 ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું જોવા મળશે. જેના કારણે રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. આ અંગે ખેડૂતોને સલાહ પણ આપી છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. જે માટે પાકને સાચવવા તથા સુરક્ષા માટે વ્યવસ્થા કરી લે.

જ્યારે ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના એંધાણ છે. જેની અસર આપણા રાજ્યમાં પણ વર્તાશે. તા.27થી 31 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં દાઢી ધ્રુજાવી દે એવી ઠંડી પડશે. ન્યુનત્તમ તાપમાન ઘટીને 8 ડિગ્રી સુધી પહોંચે એવી પણ સંભાવના છે. વાતાવરણમાં પલટાને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારમાં પણ લઘુતમ તાપમાન ઓછું થઈ જશે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા અને નલિયામાં ઠંડીનું જોર વધશે. જોકે, સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે. જ્યારે રાત્રીના બેઠો ઠાર અનુભવાય છે. જોકે, હિમ પવનોમાં થોડી ગતિ ઓછી થતા રાહત મળી છે. એટલે ઠંડીનું જોર હજું વધવાના એંધાણ છે. સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાં થોડી રાહત વર્તાય છે. પણ રાત પડતા જ ઠંડીની અસર જોવા મળે છે. રાતના સમયે રસ્તા પર કુદરતી કર્ફ્યૂની સ્થિતિ જોવા મળે છે. રસ્તાઓ સુમસાન બની જાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો