અમદાવાદમાં દંડને લઈ રકઝક થતા પોલીસે યુવતીને રસ્તા વચ્ચે બે લાફા માર્યાનો વિડિઓ વાઇરલ

dainikbhaskar.com

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2021

(હિતેન સોની દ્વારા) રાજકીય કાર્યક્રમોમાં કોરોનાની ગાઈડ લાઈનના ખુલ્લઆમ ઉલાળિયા કર્યા બાદ લોકોને ઘરની બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાની અને સામાજિક અંતરનું પાલન કરવાની સુચના આપવામાં આવે છે. જે નિયમ ફક્ત સામાન્ય નાગરિકો માટે જ લાગુ પડતો હોય તેમ લોકો રસ્તા પર માસ્ક પહેર્યા વગર આંટા મારે છે તેમની પાસેથી પોલીસ દ્વારા એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે હજુ પણ કેટલાક લોકો કોરોનાની ગંભીરતાને નહીં સમજીને શહેરમાં માસ્ક વગર ફરે છે. ત્યારે આવા લોકોને પાઠ ભણાવવા માટે તેમની પાસેથી દંડ લેવામાં આવે છે અને દંડ આપવાની ના પાડે તો તેમને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવે છે. કેટલીક વખત તો માસ્કના દંડને લઇને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસકર્મીએ માસ્કના દંડ બાબતે યુવક સાથે ઘર્ષણમાં પોલીસકર્મીએ એક યુવતીને બે તમાચા માર્યા હોવાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. 

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં PCR ગાડી P-1238માં ફરજ બજાવતા એક પોલીસકર્મીને માસ્કના દંડ બાબતે એક યુવક સાથે બોલાચાલી થઇ હતી. તેથી પોલીસકર્મીએ યુવકની સાથે બળજબરીને કરીને તેને પોલીસ સ્ટેશનમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. એક જાગૃત નાગરિક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો. પોલીસ યુવકને PCRમાં બેસાડી રહી હતી. તે સમયે તેની સાથે રહેલી યુવતી રડવા લાગી હતી. તેથી પોલીસકર્મીએ રોષે ભરાઈને યુવતીને બે તમાચા મારી દીધા હતા. કાયદેસર રીતે કોઈ પણ પોલીસકર્મી મહિલા કે, પુરુષ પર હાથ ઉપાડી શકે નહીં પણ આ ઘટનામાં એક પોલીસકર્મીએ મહિલા પર હાથ ઉઠાવ્યો હતો. તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તેથી પોલીસકર્મી રસ્તા પર એકઠા થયેલા લોકોનો વીડિયો બનાવવા લાગ્યો હતો. એક જાગૃત નાગરિકે મહિલાને માર મારતો પોલીસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો જોઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માગણી કરી રહ્યા છે. તો બીજી તરફ આ મામલો પોલીસ ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા ઝોન-1 DCP ડૉક્ટર રવીન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ વીડિયો અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે અને જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરીને તેને સસ્પેન્ડ કરવામાં આવશે.

સોશ્યિલ મીડિયામાં પોલીસની હિંમત હોય તો રાજકીય કાર્યક્રમોમાં પણ આ જ રીતે કડક અમલવારી કરી બતાવે જોઈ? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો