લગ્નોમાં વધુ મહેમાનો કે કર્ફયુમાં છુટછાટ હાલતૂર્ત નહિ મળે

રાજ્યમાં કોરોના માંડ નિયંત્રણ હેઠળ આવ્યો છેઃ ૧૫મી પછી કર્ફયુમાં છુટછાટ કે સમારોહમાં ૧૦૦થી વધુની મંજુરી હમણા આપવા ઈરાદો નથીઃ બાદમાં પરિસ્થિતિ જોઈ નિર્ણય લેવાશેઃ અનલોક-૪ હેઠળ ૧૦૦ લોકોની લીમીટ સાથે લોકોને પ્રસંગની પરવાનગી આપવામાં આવી હતી તે હજુ ચાલુ રહેશેઃ રાત્રે ૧૦થી સવારના ૬ સુધીનો કર્ફયુ પણ ૧૫મીથી ચાલુ રહેશેઃ મુખ્યમંત્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-01-2021

 છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી દેશભરના લોકોની ઉંઘ હરામ કરનાર અને તંત્રને સતત દોડતો રાખનાર જીવલેણ વાયરસ કોરોના હવે થોડો શાંત પડયો છે. ૨૪ કલાકમાં નોંધાતા કેસની સંખ્યા અને મૃત્યુના આંકડા પણ એકધારા ઘટી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અથાગ પ્રયાસોને કારણે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્ય સરકારના એકધારા પ્રયાસોનું પરિણામ પ્રાપ્ત થયુ છે. કોરોના ઘણા ખરા અંશે કાબુ હેઠળ આવી ગયો છે ત્યારે હાલના સંજોગોમાં જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન્સમાં કોઈ છુટછાટ નહી આપવા રાજ્ય સરકારે મન બનાવ્યુ છે તેવુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે અનલોક-૪ હેઠળ જે કંઈ છૂટછાટ આપવામાં આવી હતી તે ચાલુ જ રાખવા હાલ નિર્ણય લેવાયો છે. હાલતૂર્ત તેમા કોઈ વધુ છુટછાટ આપવામાં નહિ આવે એટલે કે લગ્ન પ્રસંગો કે મેળાવડામાં ૧૦૦થી વધુ મહેમાનોની છુટ હાલતૂર્ત નહિ મળે અને રાત્રીના ૧૦થી સવારના ૬ સુધી અમલી કર્ફયુમાં પણ કોઈ ઢીલ આપવામાં નહિ આવે.

અત્રે એ નોંધનીય છે કે વર્તમાન ગાઈડ લાઈન્સની મુદત આવતીકાલે પુરી થઈ રહી છે અને ૧૫મીથી નવી ગાઈડ લાઈન્સ જારી થવાની છે. આ બાબતે મુખ્યમંત્રીને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારના પ્રયાસો અને લોકોના સહકારને કારણે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી છે. કોરોનાની સ્થિતિ આગામી દિવસોમાં વણસે નહિ અને કર્યા ઉપર પાણી ન ફરે તે માટે અત્યારે કોઈ વધુ છુટછાટ આપવી હિતાવહ નથી તેવુ રાજ્ય સરકારનું માનવુ છે. તેમણે જણાવ્યુ હતુ કે અત્યાર સુધી લોકોએ રાજ્ય સરકારને સહકાર આપ્યો છે, ગાઈડ લાઈન્સનું પાલન કર્યુ છે તે આગળ પણ કરતા રહેશે તેવી મને શ્રધ્ધા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર કોરોનાને ભગાડવા મક્કમ છે અને તેથી જ હાલ છુટછાટ ન આપવી તેવુ સરકારનું માનવુ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે હજુ એવી સ્થિતિ નથી ઉભી થઈ કે વધુ લોકો એકઠા થાય કે કોરોનાને ભુલી જાય. હજુ આપણી સામે ખતરો ઉભો જ છે. જો કે તેમણે ઉમેર્યુ હતુ કે અત્યારે કોઈ છુટછાટ નથી આપવી પરંતુ આગામી દિવસોમાં જો સ્થિતિ અનુકુળ બનશે તો કર્ફયુમાં વધુ છુટછાટ અપાશે એટલુ જ નહિ લગ્નો કે સમારંભોમાં વધુ મહેમાનોની છુટ આપવામાં આવશે. કોરોનાની સ્થિતિ ઉપર રાજ્ય સરકારની ચાંપતી નજર હોવાનુ પણ તેમણે જણાવ્યુ હતું.

વધુમાં જણાવ્યુ હતુ કે ૧૬મીથી રાજ્યમાં મોટાપાયે વેકસીનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મોટા કેન્દ્રોમાંથી નાના કેન્દ્રોમાં વેકસીનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. અગાઉ નક્કી થયા મુજબ સૌ પહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વોરીયર્સને વેકસીન આપવામાં આવશે. તે પછી ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને વેકસીન આપવામાં આવશે 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો