મોરબીમાં બે દુકાનને નિશાન બનાવીને તસ્કરોએ પોલીસની ઠંડી ઉડાડી!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-01-2021

મોરબી, ઠંડીના કારણે ઢીલા પડેલા પોલીસ પેટ્રોલીંગનો લાભ તસ્કરો લઇ રહ્યા છે. કલેકટર કચેરી નજીક બે દુકાનને નિશાન બનાવીને તસ્કરોએ પોલીસની ઠંડી ઉડાડી હોવાની ઘટના બની હતી. સામાકાંઠે કલેકટર કચેરી (સેવા સદન) રોડ પર સ્વસ્તિક સિલ્વર હાઉસ નામની દુકાન ધરાવતાં અને વાંકાનેરમાં રહેતા અશોકભાઇ કાનજીભાઇ વામજાની દુકાનના શટર ઉંચકાવીને તસ્કરો સોના,ચાંદીના દાગીના મળી કુલ રૂ. 65 હજારની મતા ઉઠાવી ગયા હતાં. આ જ રસ્તા પર આવેલી કિશોરભાઇ હરીભાઇ પાટડિયાની તુલજા આશિષ નામની દુકાનમાંથી રૂ. આઠ હજારના ચાંદીના દાગીના ઉઠાવી લીધા હતાં. બે દુકાનમાંથી  કુલ રૂ. 73 હજારની મત્તા ઉઠાવી ગયા હતાં. આ ચોરી અંગે અશોકભાઇ વામજાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ફૂટેજમાં રાતના ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ શખસે દુકાનમાં ચોરી કર્યાનું ખુલ્યું હતું. એક જ રાતમાં બે દુકાનમાં ચોરી થતાં વેપારીઓમાં ભયની લાગણી ફેલાઇ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો