ખરે ટાણે જ હેલ્થ કર્મીઓની હડતાળ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-01-2021

ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો છે ત્યારે એ જ દિવસથી પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્તની હડતાળ પર જશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે આંદોલનના મંડાણ શરૂ કર્યા છે.

2800 ગ્રેડ પે મુદ્દે 33 જિલ્લા પંચાયત વિભાગના 35 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતાર્યા હતા. એટલું જ નહિ પરંતુ સંગઠને હવે પોતાની માગણીઓને લઈ આર યા પારનું એલાન કર્યું છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, આંદોલનના સમયગાળામાં આરોગ્ય કર્મચારીઓ કોરોનાની રસી લેશે પણ નહિ અને કોઈને આપશે પણ નહિ. સરકાર સાથે બેઠક નિષ્ફળ જતાં આંદોલનના મંડાણ શરૂ કરાયા છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે આંદોલનના કાર્યક્રમો જાહેર કરતાં જણાવ્યું છે કે, આજ તા.12મી ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડશે. ગાંધીનગર સત્યગ્રહ છાવણી, સેક્ટર 6 ખાતે સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી મર્યાદિત સંખ્યામાં કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરી પ્રતીક ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ કરાશે.

એટલું જ નહિ પરંતુ અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ

કોરોનાની રસી લેશે નહિ અને કોઈને આપશે પણ નહિ. મહાસંઘે તેમની પડતર માગણીને લઈ રાજ્ય સરકારને 20મી ડિસેમ્બર 2018, 15મી ડિસેમ્બર 2020ના રોજ આવેદન પત્રો આપ્યા હતા, બે હડતાળના સમાધાન પત્રો થયા હતા, તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં જડબેસલાક કાર્યક્રમો આપવાની પરજ પડી હોવાનું મહાસંઘના આગેવાનો જણાવી રહ્યા છે.

કર્મચારીઓએ વેક્સિન લેવાની ના પાડી છે તે મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સવાલ પૂછાયો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું કે, કોઈ પણ કર્મચારી, અધિકારી કે નાગરિક માટે જીવનની સલામતી અગત્યની છે. આવું દરેક વખતે કોઈ ર્ધામિક કે રાજકીય રીતે વેક્સિનને સરખાવે કે સંકળાવે તે યોગ્ય નથી. નાની મોટી માગણી માટે આ પ્રકારની ચીમકી આપે તે યોગ્ય નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો