સૌરાષ્ટ્રમાં પક્ષીઓના ટપોટપ મોતનો સિલસિલો યથાવત: 400થી વધુનો ભોગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-01-2021

કોરોના નામના રાક્ષસની ચંગૂલમાંથી હજુ લોકો છૂટી શક્યા નથી ત્યારે હવે બર્ડફ્લુએ હાહાકાર મચાવવાનું શરૂ કરી દેતાં ભયનું લખલખું વ્યાપી જવા પામ્યું છે. બીજી બાજુ પક્ષીઓ ઉપર પણ કહેર શરૂ થયો હોય તેવી રીતે મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો ન હોય 400થી વધુ જેટલા પંખીઓનો ભોગ લેવાયો છે. સૌરાષ્ટ્રના વઢવાણ, સોરઠ, ઉના, ગોંડલ, રાણાવાવ, ચીખલી સહિતના ગામોમાં બર્ડફ્લુએ હાહાકાર મચાવતાં કાગડાં, મરઘા, ટીટોડી સહિતના પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે. બીજી બાજુ પક્ષીઓ પર શરૂ થયેલા કાળચક્રને અટકાવવા માટે તંત્રએ પણ દોડધામ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં 43 પક્ષીઓના મોત નિપજતાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત વઢવાણ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પોલ્ટ્રી ફાર્મ ઉપર બર્ડફ્લુનું મોતનું ચક્કર શરૂ થયું હોય તેવી રીતે 100થી વધુ મરઘાં મોતને ભેટ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશથી બર્ડફ્લુનો રોગ આવ્યો હોવાનું તારણ નીકળી રહ્યું છે.

ઉના તાલુકાના ચીખળી ગામે પોલ્ટ્રી ફાર્મમાં પાંચ દિવસમાં 100થી વધુ મરઘાના મોત થતાં તંત્રમાં દોડધામ થઈ જવા પામી છે. આ પૈકીના અમુક પક્ષીઓના નમૂના લઈને તેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના રાણાવાવના ગોવાણી ગામની સીમમાંથી 8 મોર મૃત હાલતમાં અને 7 બીમાર હાલતમાં મળી આવતાં વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આવી જ રીતે ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામ પાસે ભાદર ડેમના કાંઠે આઠથી દસ ટીટોડીઓ મૃત હાલતમાં મળી આવતાં તેના મૃતદેહોને ગોંડલ વેટરનરી હોસ્પિટલે ખસેડાયા છે.

જ્યારે જૂનાગઢના બાંટવા ખારા ડેમ નજીક 73 પક્ષીઓના મોત થયા છે જે પૈકી બે ટીટોડીના રિપોર્ટ પોઝિટીવ આવતાં ભય વ્યાપી ગયો છે. લોએજ ગામના દ્વારકા રોડ પર 10 કાગડાના મૃતદેહો મળી આવતાં તેમના રિપોર્ટ પણ ભોપાલ લેબોરેટરીમાં રવાના કરાયા છે તો જૂનાગઢમાં 6 બગલા, કોડીનારના ડોળાસામા ત્રણ વિદેશી પક્ષીઓના કરુણ મૃત્યુ નિપજ્યા છે. જૂનાગઢ પ્રદૂષણ કચેરી પાસે પંકજ બંગલા તરીકે ઓળખાતાં વિસ્તારમાં પણ 6 બગલાના મૃતદેહ મળી આવ્યા હતા અહીં પણ બર્ડ ફ્લુ ફેલાઈ ગયો હોવાની આશંકાને બળ મળી રહ્યું છે. એકંદરે સૌરાષ્ટ્ર આખામાં અત્યારે બર્ડફ્લુનો હાહાકાર શરૂ થઈ જવાને કારણે પક્ષી થકી માણસ રોગી બની ન જાય તે માટે તંત્ર પ્રયાસો કરી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો