પતંગ ઉડાડવા હાઈકોર્ટની ‘ઢીલ’!

માત્ર પરિવારના સભ્યો જ ધાબા પર હાજર રહી શકશે : ડ્રોન દ્વારા નજર રખાશે : ચાઈનીઝ તુક્કલ, પ્લાસ્ટિકના માંજા પર પ્રતિબંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

કોરોનાકાળમાં ઉત્તરાયણની ઉજવણી થશે કે નહીં તે મામલો ગુજરાત હાઇકોર્ટનાં હવાલે હતો અને તમામ લોકોની આશા અપેક્ષા પ્રમાણે હાઇકોર્ટ દ્વારા ઉજવણીની છૂટ આપવામાં આવતા કરોડો ગુજરાતીઓમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં ઉજવણી પર રોક લગાવામાં આવશે નહીં અને પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં લગાવવામાં આવે પરંતુ ઉજવણીમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન પણ કરવાનું યાદ રાખવું પડશે, કારણ કે હાઇકોર્ટ દ્વારા નિયમોની કડક અમલવારીનો આદેશ પણ આપ્યો જ છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના એડવોકેટ જનરલ દ્વારા કોર્ટમાં આ બાબતે સરકારની માર્ગદર્શિકા પણ રજૂ કરવામાં આવી છે. એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા ઉત્તરાયણને લઇને નિયમો બનાવવામાં આવ્યા છે. જે અનુસાર, લોકો ધાબા, મેદાન કે, રસ્તા પર એકઠા થઇને ઉત્તરાયણ મનાવી શકશે નહીં. ઉત્તરાયણની ઉજવણી દરિમયાન માત્ર પરિવારના સભ્યો જ ધાબા પર હાજર રહી શકશે. અન્ય લોકો એકઠા થઇ શકશે નહીં.

માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, લોકો પતંગ અને માંજાની ખરીદી કરવા માટે પતંગ બજારમાં એકઠા ન થાય તે પણ જરૂરી છે. કોરોનાના પગલે ઉત્તરાયણની ઉજવણી માત્ર કુટુંબની નજીકના સભ્યો સાથે જ કરવાની રહેશે. માસ્ક વિના કોઇ પણ વ્યક્તિઓ પતંગ ચગાવવા માટે સોસાયટી-ફ્લેટના ધાબા પર ભેગા થવાનું રહેશે નહીં. ફરજિયાત સામાજિક અંતરના નિયમો અને સેનિટાઇઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે. ફ્લેટ કે સોસાયટીના રહીશો સિવાયના કોઇ મેમ્બર્સ-મહેમાનોને ધાબા-અગાશી પર મંજૂરી આપવામાં આવી નથી. જો આ નિયમનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને જવાબદાર ગણી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ફલેટ કે સોસા.ના ધાબા પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા પર પ્રતિબંધ છે. આ સંજોગોમાં’ ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે કે, નહીં તે માહિતી મેળવા માટે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. ધાબા પર લાઉડસ્પીકર્સ, ડીજે અને મ્યુઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં. 65 વર્ષથી વધુની વ્યક્તિઓ, કો-મોર્બિડિટીઝ સાથેની વ્યક્તિઓ, 10 વર્ષથી નાના બાળકોને ઘરની અંદર રહેવાની ભલામણ કરવામાં આવી છે.

એડવોકેટ જનરલે માર્ગદર્શિકા રજૂ કરતા જણાવ્યું હતું કે, પતંગ પર રાઇટિંગ, સ્લોગન કે કોઇ પ્રકારના ફોટા લગાવવા રહેશે નહીં, જેથી કોઇની ભાવનાઓને ઠેસ ન પહોંચે.

આ સાથે ચાઇનિઝ તુક્કલ, સિન્થેટિક કાંચ એ પ્લાસ્ટિકના માંજા(દોરી) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર સ્થળો-રસ્તાઓ એ ખૂલ્લા મેદાનો પર પતંગ ચગાવવાની મંજૂરી નહીં હોવાથી રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી લોકો એકઠા ન થાય તે બાબતે પણ નજર રાખવામાં આવશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં કર્ફ્યૂનો કડકમાં કડક અમલ કરાવવામાં આવશે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ આ જાહેરનામાં બાબતે કેટલાક સવાલ કર્યા હતા.

હાઈકોર્ટેમાં સરકારની માર્ગદર્શિકા રજૂ થયા બાદ કોર્ટે જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં ઉજવણી પર રોક લગાવામાં આવશે નહીં અને પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે જરૂરી છે. અમે કોઈ ધર્મની વિરૂધ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. હાઈકોર્ટના નિર્ણયને લઇને પતંગના વેપારીઓમાં ખૂશીનો માહોલ છવાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો