રાજકોટ શહેરનાં 11 સહિત જિલ્લાના 25 પરવાનેદારોનું છેલ્લા બે વર્ષનું હિસાબી સાહિત્ય કબ્જે લઈ ગ્રાહકોના ક્રોસ નિવેદન લેવાની કામગીરી શરૂ કરતુ પુરવઠા ખાતુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

અમદાવાદમાં બોગસ ફીંગર પ્રિન્ટનો ડેટા મેળવી સરકારી અનાજ કાળાબજારમાં વેચી નાંખવાના ચકચારી કૌભાંડની બે વર્ષ પુર્વે શરુ થયેલી તપાસ લોકડાઉન અને કોરોનાકાળ આવી જતા મંદ પડી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી આ તપાસમાં વેગ આવ્યો છે. અમદાવાદના ફીંગર પ્રિન્ટ ડેટા કૌભાંડમાં જે તે સમયે રાજકોટ કનેકશન ખુલ્યુ હતું. ગત વર્ષે રાજકોટનાં કલેકટર કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટરોને અમદાવાદ સાઈબર સેલે ઉઠાવી લઈ પુછપરછ કરતા રાજકોટના 20થી વધુ રેશનીંગ પરવાનેદારોના કાર્ડના ડેટા મેળવી લાખો રૂપિયાનું સરકારી અનાજ ઓળવી જવાયા હોવાનું બહાર આવ્યા બાદ ગઈકાલે આ તપાસમાં રાજકોટ શહેરનાં 11 સહિત જિલ્લાના 25 રેશનીંગ પરવાનેદારોની સંડોવણી સ્પષ્ટ બનતા આ તમામના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી પુરવઠા વિભાગે છેલ્લા બે વર્ષ દરમ્યાન કેટલું સરકારી અનાજ સગેવગે કરવામાં આવ્યું છે તેની તપાસ આદરી હોવાનું પુરવઠા ખાતાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

અમદાવાદનાં સાઈબર સેલે બે વર્ષ પુર્વે સરકારી અનાજ નહી લેતા ગરીબ અને મધ્યમવર્ગ પરિવારોનું અનાજ બારોબાર બોગસ ફીંગર પ્રિન્ટના આધારે કાળાબજારમાં વેચાતુ હોવાના કૌભાંડનો પર્દાફાશ કરી ઉંડી તપાસ હાથ ધરતા જે તે સમયે રાજકોટ કનેકશન ખુલ્યુ હતું. રાજકોટમાં પશ્ચિમ મામલતદાર કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટરોને ઉઠાવી લઈ પુછપરછ કરતા રાજકોટ શહેરના 11 સહીત જિલ્લાના 25 રેશનીંગ દુકાનદારોના ગ્રાહકોના ફીંગર પ્રિન્ટ ડેટા લીક થયાની વાત બહાર આવી હતી જેની ઉંડી તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારી વિગત એવી બહાર આવી હતી કે આ તમામ દુકાનદારોના ગ્રાહકોના ડેટા બારોબાર આપી દેવામાં આવ્યા છે જેના આધારે લાખો રૂપિયાનું સરકારી અનાજ કાળાબજારમાં વેંચી દેવાયુ છે. રાજકોટ પુરવઠા ખાતાએ અમદાવાદ સાઈબર સેલ પાસેથી આવા દુકાનદારોની યાદી સાત વખત પત્રો લખીને માંગી હતી જેમાં ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સાઈબર સેલે તમામ પરવાનેદારોના ગ્રાહકોના ફીંગર પ્રિન્ટ ડેટાનો લીસ્ટ સહિતની વિગતો રાજકોટ કલેકટરને મોકલતા જીલ્લા કલેકટર રેમ્યા મોહને પુરવઠા અધિકારીને તપાસનો આદેશ આપી આ મુદે તમામ પરવાનેદારોનું છેલ્લા બે વર્ષનું સાહિત્ય કબ્જે લઈ કેટલો માલ સગેવગે કરવામાં આવ્યો છે. મેળવવા તમામ ઈન્સ્પેકટરોને કામે લગાડયા છે. દરમ્યાન રાજકોટના 11 સહિત જીલ્લાના 25 પરવાનેદારોને સ્પષ્ટ સંડોવણી સામે આવતા આ તમામ દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરી છેલ્લા બે વર્ષ દરમ્યાન કેટલું સરકારી અનાજ બોગસ ફીંગર પ્રિન્ટના આધારે કાળાબજારમાં વેંચી નાંખવામાં આવ્યું છે તેની તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હોવાનું પુરવઠાખાતાના સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો