ગુજરાતમાં બર્ડફ્લુનો પહેલો કેસ, માણાવદરમાં મૃત મળેલા પક્ષીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલ

સૌરાષ્ટ્રના માણાવદરમાં ગત 2 જાન્યુઆરીએ બતક, ટિટોડી અને બગલા સહિતના 53 પક્ષીઓ મૃત મળી આવ્યા હતા. જેમના સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલાયા હતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-01-2021

ગુજરાતમાં બર્ડફ્લુની એન્ટ્રી થઈ ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જુનાગઢના માણાવદરમાં ગત 2 જાન્યુઆરીએ મૃત મળી આવેલા પક્ષીઓનો બર્ડફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.

માણાવદરમાં ગત 2 જાન્યુઆરીએ બતક, ટિટોડી અને બગલા સહિતના 53 પક્ષીઓ મૃત મળી આવ્યા હતા. જેમના પોસ્ટમોર્ટમમાં તેમનું મોત ફૂડ પોઈઝનિંગથી થયાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. જોકે, આ પક્ષીઓના સેમ્પલ ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા હતા. સૂત્રો મુજબ, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે, આ પક્ષીઓના મોત બર્ડફ્લુથી થયાનું બહાર આવ્યું છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષીઓના શંકાસ્પદ મોત થઈ રહ્યા છે. તેમાં પણ કાગડાઓની સંખ્યા ઘણી વધારે છે. રાજ્યમાં પણ આજે બારડોલીના કબ્રસ્તાનમાંથી 17 કાગડા મૃત મળી આવ્યા હતા. તો મહેસાણાના મોઢેરામાંથી પણ 4 કાગડા મૃત હાલતમાં મળ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં વડોદરા અને સુરેન્દ્રનગર સહિતના પંથકોમાં કાગડા અને ઢેલ જેવા પક્ષીઓના મોત થયા છે. જોકે, આ બધાના સેમ્પલ ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે કે એ બધાના મોત પણ બર્ડફ્લુથી થયા છે કે કેમ?

જોકે, હાલ તો માણાવદરમાંથી મૃત મળી આવેલા પક્ષીઓના મોત બર્ડફ્લુથી થયાના અહેવાલ બહાર આવતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. રાજ્યમાં બર્ડફ્લુનો આ પહેલો કેસ છે. ઉલ્લેખનીય છે કે, ઘણા રાજ્યોમાં બર્ડફ્લુની આશંકાએ એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાન અને હરિયાણામાં તો ઘણા પક્ષીઓના મોત થયા છે. કેન્દ્ર સરકારે પક્ષીઓના મોત થવાના પગલે પહેલેથી જ એલર્ટ જાહેર કરેલું છે. કેન્દ્રએ કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણામાં બર્ડફ્લુ ફેલાયાનું જાહેર કરી દીધું છે. જાપાનમાં તો ગત નવેમ્બર મહિનાથી બર્ડફ્લુનો કહેર ફેલાયેલો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો