લવ જેહાદને લઈને રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું નિવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-01-2021

દેશમાં હાલ લવ-જેહાદ (Love Jihad)નો કાયદો ચર્ચામાં છે. તેવામાં ગુજરાતમાં પણ લવ-જેહાદના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પણ વિધર્મી યુવકે યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેવામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja)લવ જેહાદ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. અને આવી પ્રવૃતિ પર અંકુશ મેળવવા માટે કડક કાર્યવાહીની માગ કરી છે.

રાજ્યમાં LRD જવાનોના આંદોલન વચ્ચે આજે ગાંધીનગર કરાઈ એકેડેમી ખાતે 438 જવાનોના દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. દીક્ષાંત સમારોહમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં લવ જેહાદના કિસ્સામાં કાયદા પ્રમાણેની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદના વટવા વિસ્તારમાં સરફરાઝ પઠાણ નામના આરોપીએ હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં લવ જેહાદના જે કેસો સામે આવ્યા છે તેમાં કાયદો કાયદાનું કામ કરશે અને કાયદા પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણી પાસે જે કાયદા છે તેનાથી પૂરતા પગલાં લઇશું. આવું કરવા માટે કોઇ પ્રેરાય નહીં અને આ પ્રમાણેનું કાંઈ કર્યું હોય તો તેના પર પૂરતા એકશન લેવામાં આવશે. જેના કારણે આ પ્રકારની પ્રક્રિયા અને પ્રવૃત્તિ પર અંકુશ લેવામાં આવે.

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલાં કાર્યક્રમમાં કુલ 438 જેટલાં જવાનોએ શપથગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા, ગૃહ સચિવ પંકજ કુમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં કુલ 7800 લોકરક્ષક દળનો આજે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જે દીક્ષાંત સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નવા પોલીસ જવાનોને દીક્ષાંત સમારોહમાં ખાસ શિખામણ આપી હતી. જાડેજાએ શિખામણ આપતાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનાં જમાનામાં લોકોના હાથમાં મોબાઈલ હોય છે. લોકો પોલીસની કામગીરીનું આંકલન કરતા હોય છે. તેથી તમારે લોકોનું વિચારીને પણ પોતાની ફરજ નિભાવવી પડશે. જ્યારે ગુજરાત પોલીસ અને તમારા પરિવારને ગૌરવ થાય તેવું કામ કરવાનું છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં હવે પોલીસ નહીં પરંતુ સ્માર્ટ પોલીસની જરૂર છે તે દિશામાં પણ આગળ વધવું પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો