ખેડૂતોની માઠી બેઠી: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-01-2021

રાજ્યમાં ઠંડી (Cold) અને કમોસમી વરસાદ (Unseasonal rain) કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. જોકે, સાઇક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) નબળું પડતા રાહત મળશે તેવું પણ લાગી રહ્યું હતું. હવામાન વિભાગ (Weather department)ની કમોસમી વરસાદની અગાહીના કારણે ખેડૂતો (Farmers)ની ચિંતામાં ફરી વધારો થશે. બીજી તરફ સૌરાષ્ટ્રનું વાતાવરણ સામાન્ય રહેશે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ભારે વરસાદને પગલે અનેક ખેડૂતોનો પાક બગડી ગયો હતો. હવે શિયાળામાં વારેવારે થઈ રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે.

હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટરએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8થી 10 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે. જેમાં આઠમી જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં વરસાદની આગાહી છે. નવમી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને10 જાન્યુઆરીના રોજ દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન યથાવત રહ્યું છે. વહેલી સવારે ઠંડી અને ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળે છે. આજે ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

આ વર્ષે શિયાળાની ઋતુમાં પણ વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. જેના કારણે કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ છે. શિયાળુ પાક જેમ કે જીરું, ઘઉં, કપાસ, દીવેલાને નુકસાન થઈ રહ્યું છે. ચોમાસામાં પહેલા જ ભારે વરસાદથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું હતું ત્યારે હવે વારેવારે પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ચોમાસામાં જરૂર કરતા વધારે વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને આશા હતી કે ચોમાસું પાકમાં ભલે નુકસાન ગયું પરંતુ શિયાળું પાકમાં ખૂબ વધારે ઉત્પાદન મળશે. જોકે, હવે શિયાળામાં પણ વારેવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની માઠી બેઠી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો