ગુજરાતમાં મે મહિનામાં યોજાશે બોર્ડની પરીક્ષા, આગામી અઠવાડિયે થશે તારીખની જાહેરાત

સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે યોજાનારી બોર્ડની પરીક્ષા માટે પરીક્ષા કેંદ્રો વધારવામાં આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSHSEB) ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ આપવાની તૈયારી કરી લીધી છે. આવતા અઠવાડિયા સુધીમાં બોર્ડની પરીક્ષાની તારીખોની જાહેરાત થઈ જશે. મે મહિનાની 10મી અથવા 17મી તારીખથી પરીક્ષાનો પ્રારંભ કરવાની વિચારણા બોર્ડ દ્વારા થઈ રહી છે. આ બંને વિકલ્પોમાંથી કોઈ એક પર પસંદગી ઉતારીને આવતા અઠવાડિયા સુધીમાં પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાશે, તેમ GSHSEBના એક અધિકારીએ જણાવ્યું.

આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં 10.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.30 લાખ અને વિજ્ઞાન પ્રવાહના 1.50 લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે તેવો અંદાજો છે. અગાઉ શિક્ષણ બોર્ડે અભ્યાસ ક્રમમાં 30 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો અને તે મુજબ પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કર્યો હતો. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામાં આવે છે પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષે કોરોના મહામારીના કારણે પાછી ઠેલાઈ છે.

આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે પરીક્ષા કેંદ્રોની સંખ્યા 5,500થી વધારીને 6,700 કરવામાં આવશે. પરિણામે પરીક્ષા ખંડોની સંખ્યા પણ 60,000થી વધીને 75,000 થશે. આશરે 60 ટકા પરીક્ષા કેંદ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે. પરીક્ષાની નવી પેટર્ન પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 50% ગુણભાર OMR (ઓપ્ટિકલ માર્ક રિડર) પ્રશ્નોનો અને 50% ગુણભાર લાંબા સવાલોના જવાબનો રહેશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો ગુણભાર 30% થશે,જે અગાઉ 20 ટકા હતો.

બોર્ડની પરીક્ષાને આડે હવે ચાર મહિના જેટલો સમય છે ત્યારે ધોરણ 10ની એક વિદ્યાર્થિનીએ કહ્યું “આગામી બોર્ડની પરીક્ષાને લઈને થોડી નર્વસ છું કારણકે સ્કૂલો હજી શરૂ થઈ નથી. જો કે, હું મારા તરફથી પૂરતી તૈયારી કરી રહી છું અને ઓનલાઈન ક્લાસમાં પણ નિયમિત હાજર રહું છું. વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તે માટે બોર્ડે તકેદારીના પૂરતાં પગલા લેવા જોઈએ. બોર્ડે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડીને સારો નિર્ણય કર્યો છે.”

ગુજરાત સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું, “ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ ચાલી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓને કનેક્ટિવિટીની સમસ્યાને કારણે ભણવામાં તકલીફ પડી રહી છે. ઓબ્જેક્ટિવ પ્રશ્નોના માર્ક વધારવા જોઈએ અને પરીક્ષાનો સમય ઘટાડવો જોઈએ. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ટરનલ માર્ક 20થી વધારીને 30 કરવા જોઈએ.”

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63