ફાસ્ટેગના રૂપકડા નામે ટોલનાકા બન્યા “તોડ” નાકા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-01-2021

ટોલ લૂંટ માથાનો દુ:ખાવો બની ચૂક્યો છે. ફાસ્ટ ટેગના રૂપાળા નામે સંખ્યાબંધ વાહનચાલકો ટોલ ટેક્સના નામે ટોલ પ્લાઝા ઉપર ખંખેરાઇ રહ્યાં છે. વહીવટમાં આધુનીકરણના નામે સુવિધા તો દૂર દૂર સુધી જણાતી નથી અને અસુવિધાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. ટોલ પ્લાઝા ઉપર દિશાવિહીન કારભારને કારણે વાહનચાલકોની સ્થિતિ બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી થઇ ચૂકી છે. ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી વધુ રૂપિયા પડાવી લેવાયા હોવાની વ્યાપક ફરિયાદો બહાર આવી છે. આવા કિસ્સાઓમાં સંખ્યાબંધ વાહનચાલકોએ કર્મચારીઓ સાથેની કચકચ અને રિફંડની ઝંઝટ વચ્ચે ફરિયાદ કરવાનું જ માંડી વાળ્યું છે. હવે કાર ઘરે હોવા છતાં ટોલ બૂથ દ્વારા ટોલ ટેક્સના નામે રૂપિયા કાપી લેવામાં આવ્યા હોવાના ચોંકાવનારા કિસ્સા બહાર આવી રહ્યાં છે.

અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગે આવેલી ગ્રીનવેલી રેસીડેન્સીમાં રહેતા સમીરભાઇ રાવલ જીજે-05-આરબી- 9216 નંબરની કાર ધરાવે છે. ગત રવિવાર તા. 27મીને દિવસે તેઓ ઘરે જ હતા. કાર પણ ઘરના દરવાજે પાર્ક કરાયેલી હતી. તેમ છતાં ભાટીયા ટોલ પ્લાઝા દ્વારા ટોલ ટેક્સના નામે તેમની કારના ફાસ્ટ ટેગ એકાઉન્ટમાંથી બે વખત રૂપિયા કાપી લેવામાં આવ્યા. આઈસીઆઈસીઆઈ બેંકનો ફાસ્ટ ટેગ ધરાવતા સમીર રાવલે તેમના મોબાઇલ ફોન પર બેંકમાંથી આવેલો મેસેજ જોઇ અચંબિત થઇ ગયા હતા. કાર ઘરે જ હોવા છતાં ટોલ પ્લાઝા તરફથી કેવી રીતે રૂપિયા કાપી લેવામાં આવ્યા? તેને લઇને ભાટીયા ટોલના મેનેજર અને બેંકના વહીવટકર્તાઓ સમક્ષ ફરિયાદ કરી હતી. ભાટીયા ટોલ પ્લાઝા

તરફથી ટોલ ટેક્સ પેટે અનુક્રમે રૂપિયા 110 અને 55 ખોટી રીતે કાપી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ટોલ પ્લાઝાના કારભારીઓ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન કાર નંબર જીજે-05-આરકે-3131 રવિવારે ટોલ પ્લાઝા પરથી પસાર થઇ હતી. આ કારના ટોલ ટેક્સ પેટે રૂપિયા વસુલવામાં આવ્યા હોવાનો જવાબ આપી દેવાયો હતો. આ બાબતે ત્રણ દિવસની દોડધામ પછી પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં હોવાનું સમીરભાઇએ જણાવ્યું હતું.

ગઇ તા. 27મી ડિસેમ્બરે ખોટી રીતે ટોલના નામે રૂપિયા વસુલી લેવાયા હોવાનું બીજી વખત નોંધાયું હતું. તે અગાઉ દિવાળીને દિવસે તા. 14મી નવેમ્બરના રોજ સમીર રાવલ ટોલલૂંટનો ભોગ બન્યા હતા.વડોદરા નજીકના વાંસદ ખાતેના ટોલ પ્લાઝા પર તેમના ફાસ્ટ ટેગ એકાઉન્ટમાંથી અનુક્રમે 25 અને 95 રૂપિયા ડેબિટ કરી દેવાયા હતા. આ અંગે બેંકમાંથી મોબાઇલ ફોન ઉપર મેસેજ મળતા તેમને ટોલ બૂથ અને આઇસીઆઇસી બેંકમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદનું હજી સમાધાન થયું નથી અને બે દિવસ અગાઉ ફરી એકવખત તેઓ ટોલલૂંટનો ભોગ બન્યા હતા. ટોલ પ્લાઝાની નીતિ-રીતિઓ અને ધારાધોરણોથી સામાન્ય જનતા આજે છેડેચોક લૂંટાઇ રહી હોવાની તેમને શાબ્દિક પસ્તાળ પાડી હતી.

પ્રજાનું આર્થિક શોષણ થઇ રહ્યું હોવા છતાં આ દિશામાં સરકારી તંત્ર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવતી નથી. જેને પગલે સંખ્યાબંધ વાહનચાલકો પ્રતિદિન ટોલ લૂંટનો ભોગ બનતા હશે તેવું તેમણે ઉમેર્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63