સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનું સૌથી વધુ રવિ વાવેતર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-12-2020

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નૈઋત્ય ચોમાસુ સારું અને સંતોષકારક રહેવા સાથે ખરીફ પાકોમાં ખડકલા થયા બાદ હવે રવિ ઉત્પાદન પણ બમ્પર થવાનો આશાવાદ ઉભો થયો હોય તેમ રવિ વાવેતર છેલ્લા પાંચ વર્ષનું સૌથી વધુ થયું છે. ગુજરાતમાં સામાન્ય રીતે 34.4 લાખ હેકટરમાં રવિ વાવેતર થતું હોય છે જેની સરખામણીએ ચાલુ વર્ષે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં 42.85 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતાં 25 ટકા વધુ છે.

ગુજરાતમાં સિંચાઇ વિભાગના વર્તુળોએ જણાવ્યું છે કે નૈઋત્ય ચોમાસામાં સારો વરસાદ થયો હોવાથી જળાશયોમાં પુષ્કળ પાણી છે ઉપરાંત તળ પણ સજીવન થઇ ગયા હતા એટલે ખેડૂતોને રવિ વાવેતર કરવા માટે પર્યાપ્ત પાણી ઉપયોગ થયું હોવાથી તેઓએ જંગી વાવેતર કર્યા છે. ખેડૂત આગેવાનોના કહેવા પ્રમાણે જળાશયોમાં પુષ્કળ પાણી હોવા ઉપરાંત ઓકટોબર મહિના સુધી વરસાદ વરસ્યો હોવાથી જમીનના તળ પણ સારા છે. જો કે કમોસમી વરસાદમાં કપાસના પાકને નુકસાન થયું હતુ હવે ખેડૂતો કપાસ કાઢીને ધાણા, ચણા જેવા રવિ પાકનું વાવેતર કરવા લાગ્યા છે. ચણાનું વાવેતર જંગી માત્રામાં થયું જ છે જે ગત વર્ષ કરતાં બમણુ છે. આજ રીતે ધાણાનું વાવેતર ગયા વર્ષ કરતાં ડબલ થયાનું અંદાજ છે. સામાન્ય રીતે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં 30 લાખ હેકટરમાં વાવેતર થતું હોય છે તેના બદલે આ વર્ષે 30 ટકા વધુ વાવેતર થયું છે.

સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ખેડૂતો તરફથી જળાશયોમાંથી પાણી છોડવા માટે કોઇપણ પ્રકારની માંગ ઉઠી નથી તે જ દર્શાવે છે કે જમીનના તળ હજુ જીવંત છે અને ખેડૂતો પાસે પાણી છે. જો કે ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે જળાશયોમાંથી પાણી છોડવા માટે રાજ્ય સરકારે તૈયારી કરી જ રાખી છે.

કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ખરીફ જણસીઓના સારા ભાવ મળ્યા હોવાથી રવિ વાવેતર પણ વહેલું કરીને ઉંચા ભાવ મેળવવાનો ખેડૂતોનો વ્યૂહ છે. ધારીના એક ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે ખરીફ ઉત્પાદન મબલખ થતાં ખેડૂતોને સારી કમાણી થઇ હતી અને એટલે વહેલા રવિ વાવેતર તરફ વળ્યા છે પાણી પણ ઉપલબ્ધ હોવાને કારણે રવિ ઉત્પાદન પણ મોટુ થવાનો અંદાજ છે. હજુ અનેક ભાગોમાં વાવેતર પ્રક્રિયા ચાલુ જ રહી છે.સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઘઉના વાવેતરમાં પણ સરેરાશ 20 ટકાનો વધારો થયો છે. 12.17 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. ચણાનું વાવેતર ગત વર્ષે 3 લાખ હેકટરમાં હતું તે વધીને 8.82 લાખ હેકટરમાં થયું છે. જીરાનું વાવેતર 4.61 લાખ હેકટરમાં થયું છે. શેરડીનું વાવેતર પણ દોઢ ગણુ વધુ છે અને 1.82 લાખ હેકટરમાં થયું છે. ડુંગળીનું વાવેતર 0.53 લાખ હેકટરમાં વાવેતર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63