ગુજરાતમાં સિઝનનો 120 ટકા વરસાદ વરસી ગયો : અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-08

જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી જીલ્લાઓ ફરી વખત જળબંબાકાર

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતતમાં રેલમછેલ સર્જી રહેલા મેઘરાજા હવે આશિર્વાદને બદલે તારાજી સર્જતા હોવાનું ચિત્ર સર્જાવા લાગ્યું છે. રાજયના તમામ જીલ્લા-તાલુકાઓમાં વરસેલા ભારે-અતિભારે વરસાદને પગલે ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 120 ટકાએ પહોંચી ગયો છે. નર્મદા સહિતની નદીઓમાં પુરને કારણે ભરૂચ સહીતના જીલ્લાઓમાં સંકટ સર્જાયુ છે અને હજારો લોકોના સ્થળાંતર સાથે ડઝનબંધ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન રાજયના 250 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ઓગષ્ટ મહીનામાં અત્યાર સુધીમાં 644.51 મીમી પાણી વરસી ગયુ છે અને રાજયમાં અત્યાર સુધીનો સીઝનનો કુલ વરસાદ 119.78 ટકા થઈ ગયો છે. સૌથી વધુ 251.66 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડયો છે. બીજા ક્રમે સૌરાષ્ટ્ર ઝોનમાં 162.64 ટકા, દક્ષિણ ગુજરાતમાં 102.45 ટકા, ઉતર ગુજરાતમાં 105.72 ટકા તથા મધ્ય ગુજરાતમાં 86.56 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં તમામે તમામ તાલુકાઓમાં અત્યાર સુધીનો ઓછામાં ઓછો 10 ઈંચ વરસાદ થઈ ગયો છે. 94 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજયમાં મેઘતાંડવની સ્થિતિ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ જામનગર જીલ્લાના જામજોધપુરમાં વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં સાડા આઠ ઈંચ, મોરબીમાં આઠ ઈંચ, જામનગરમાં આઠ ઈંચ, કલ્યાણપુરમાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજયના 37 તાલુકામાં 4 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો. તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના હતા. 63 તાલુકામાં બે થી ચાર ઈંચ સુધી વરસાદ પડયો હતો.

રાજયના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ ઉપરાંત પાડોશી મધ્યપ્રદેશ જેવા રાજયોમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ, વડોદરા સહીતના કેટલાક જીલ્લાઓમાં પૂર સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રમાં જળાશયો ફરી વખત ઓવરફલો થવાના કારણે પણ પુર પરિસ્થિતિ ઉભી થઈ હતી. એનડીઆરએફ તથા સ્થાનિક ટીમોએ મોટાપાયે બચાવ કામગીરી કરવી પડી છે.

ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમની સપાટી 131.15 મીટરે પહોંચી હતી. સ્ત્રાવ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે 4 લાખ કયુસેકની પાણી આવક હતી. 30માંથી 23 દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદીમાં પુર આવક હેઠવાસના ગામોને ખાલી કરાવાયા હતા. બે હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભરૂચના નીચાણવાળા ભાગોમાં પણ પાણી ઘૂસ્યા હતા. ભરૂચના ગોલ્ડન બ્રીજની સપાટી 30 ફૂટની નજીક પહોંચી હતી.

સૌરાષ્ટ્રના મોટાડેમ ભાદરના પણ 29 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભાવનગરમાં ખોડીયાર સહીતના જળાશયો ભરાતા નદીઓ ખતરાના નિશાનને વટી ગઈ હતી. હાઈવે પર પાણી વહેવા લાગ્યા હતા.

ઝોનવાઈઝ વરસાદ

*કચ્છ ઝોન- 251.66 ટકા

*સૌરાષ્ટ્ર- 162.64 ટકા

*ઉતર ગુજરાત- 107.72 ટકા

*દક્ષિણ ગુજરાત- 102.45 ટકા

*મધ્ય ગુજરાત- 87.56 ટકા

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63