કોરોના સામે “જંગ” માં બધું “બંધ” : લોકો સ્વયંભૂ કર્ફ્યુમાં જોડાયા

પીએમ મોદીનું ટ્વીટ : કોરોના સામે લડાઈને સફળ બનાવવા દેશવ્યાપી અભિયાનનો હિસ્સો બનવા અપીલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) પીએમ મોદીએ કોરોના વાયરસને સંક્રમિત થતો રોકવા માટે સામાજિક અંતર રાખવા માટે રવિવાર સવારના સાત વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ નો પ્રસ્તાવ મૂક્યો હતો જેને દેશભરમાંથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું કે, જનતા કર્ફ્યૂ શરૂ થઈ રહ્યો છે. મારી વિનંતી છે કે તમામ નાગરિક આ દેશવ્યાપી અભિયાનનો હિસ્સો બનો અને કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈને સફળ બનાવો. આપણો સંયમ અને સંકલ્પ આ મહામારીને પરાસ્ત કરીને રહીશું. તેઓએ કહ્યું કે અત્યારે લેવામાં આવેલા પગલાને આવનારા સમયમાં મદદ કરશે. ઘરમાં રહો અને સ્વસ્થ રહો

‘જનતા કર્ફ્યુ’ને લઈને અત્યાર સુધી ગુજરાતમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરોમાં મોટાભાગે લોકો બહાર જવાનું ટાળી ઘરમાં રહી ‘જનતા કર્ફ્યુ’નું પાલન કરી રહ્યા છે. તમામ શહેરોમાં ‘જનતા કર્ફ્યુ’નો પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાય શહેરમાં BRTS, AMTS અને ST સેવા પણ બંધ છે. શહેરમાં મોટાભાગે દુકાનો અને લોકોની હિલાચાલ બંધ રહેતા રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે.