મોરબી: કોરોનાને કંકોત્રી મોકલતા હોસ્પિટલ પાસે ગંદકીના ગંજ !!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-3, મોરબી સિવિલ હોસ્પિટલ તંત્ર જાણે બેદરકારી કરવા માટે પંકાઈ ગયું હોય તેમ ફિર વોહી રફતારની જેમ વધુ એક ગંભીર બેદરકારી ધ્યાને આવી છે.હાલ કોરોનાના કહેર વચ્ચે મોરબી સીવીલ હોસ્પિટલમાં ગંદકીથી જાહેર આરોગ્ય અસલામત તેવી સ્થિતિ જોવા મળી છે.આ હોસ્પિટલમાં ગટરની ગંદકી રેલમછેલ થઈ રહી છે.ત્યારે ખુદ હોસ્પિટલમાં જ સ્વચ્છતા ન જળવાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.હાલ કોરોના વાયરસ સો કોઈને ધ્રુજાવી રહ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે જાહેર સ્થળોએ ખાસ સ્વચ્છતા રાખવાની સરકારે કડક સૂચના આપી છે.ખાસ કરીને હોસ્પિટલોમા તો સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે.સરકારે અના માટે પણ ગાઈડ લાઈન સાથે કડક આદેશો જારી કર્યા છે.પણ મોરબીની સિવિલ હોસ્પિટલ તંત્ર જાણે કે હમ નહિ સુધરેંગેની કસમ ખાધી હોય તેમ કોરનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સ્વચ્છતા મામલે ભારે બેદરકારી દાખવી રહ્યું છે.જેમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની પાસે જ ગટરના ગંદા પાણી નદીના વહેણની માફક વહી રહ્યા છે.ગટરની ગંદકી હોસ્પિટલમાં ફેલાઈ રહી છે. કોરોનાના કહેર વચ્ચે જ સ્વચ્છતાના નિયમોનું ઉલઘ્ઘન કરીને હોસ્પિટલ તંત્રની આ જોખમી બેદરકારીથી દર્દીઓ આરોગ્ય ઉપર મોટું જોખમ સર્જાયું છે.ત્યારે સવાલ એ છે કે હોસ્પિટલ તંત્રને આ ગંભીર બેદરકારીનું કોણ ભાન કરાવશે.