અમદાવાદ: હવે નિકોલમાં પણ બનશે 22 કરોડના ખર્ચે CG રોડ

નિકોલમાં સી.જી. રોડ જેવો મૉડલ રોડ બનાવવાનું આયોજન, એક વર્ષમાં નિકોલની જનતાને આ મૉડલ રોડ મળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ, અમદાવાદ) તા.17-3, નવરંગપુરા વિસ્તારના સી.જી. રોડ (C G Road) જેવું મોડેલ હવે શહેરના નિકોલ (Nikol Area) વિસ્તારમાં પણ જોવા મળશે. કારણ કે હવે નિકોલ વિસ્તારમાં સી.જી. રોડ જેવો મોડલ રોડ (Model Road in Nikol Area) તૈયાર થઈ રહ્યો છે. આ રોડનું ભૂમિપૂજન અમદાવાદના મેયર બીજલબેન પટેલ (Ahmedabad Mayor Bijalben Patel)ના હસ્તે કરાયું છે. ચિમનલાલ ગીરધરલાલ રોડ (Chimanlal Girdharlal Road) એટલે કે નવરંગપુરાનો સી.જી. રોડ. આ રોડ અમદાવાદની ઓળખ સમાન છે. નવરંગપુરાના આ સી.જી. રોડની ગણના શહેરના પોશ વિસ્તારમાં થાય છે. આ રોડને ધ્યાને લઈને ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સી.જી. રોડ (New C.G. Road at Chandkheda) બન્યો છે. હવે નિકોલ વિસ્તારમાં પણ સી.જી. રોડ જેવો મૉડલ રોડ તૈયાર કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તાથી ભક્તિ સર્કલ થઈ રસપાન પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ જતો માર્ગ સી.જી. રોડ જેવો મોડલ રોડ તૈયાર કરવામાં આવશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 વર્ષની અવધિ નિર્ધારિત કરવામાં આવી છે અને 22 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવશે.