મોરબી : ગરીબ બાળકોને લકઝુરિયસ કારમાં શહેરની સફર કરાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14,યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે ખાસ કરીને ગરીબ બાળકોને મોંઘી કારમાં બેસાડી શહેરભરમાં ફેરવીને બાળકોને મોજ કરાવી આનંદની અનુભૂતિ કરવાના સ્વપ્નને સાકાર કર્યું હતું. સીરામીક ઉધોગકારોના સાથ સહકારથી ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસાડી શહેરભરની રોમાંચક સફર કરાવી હતી. બાદમાં ગરીબ બાળકોને વૈભવી હોટલમાં મનપસંદ ભોજન કરાવીને બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિનું મૂળ ભાવાર્થને ખરાઅર્થમાં ચરિતાર્થ કર્યો હતો. ગરીબ બાળકોએ કદી જ મોંઘી કારમાં બેસીને આનંદ માણ્યો હોતો નથી. તેથી, આવા બાળકોના સ્વપ્નને સાકાર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી ગરીબ બાળકોને સાચી રીતે વ્હાલ કરીને તેમને અનોખો આનંદ આપવા માટે જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ઝુરિયસ કારમાં બેસાડીને શહેરભરની રોમાંચક સફર કરીને ચાર ચાર બંગડી વાડી ગાડીમાં બેસીને ફરવાની મોજથી બાળકોમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.