29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ મળશે મફતમાં !!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13, હવે ફાસ્ટેગ માટે તમારે પૈસા નહીં ખર્ચવા પડે. સરકારે બુધવારે કહ્યું કે ઈલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ વધારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ તારીખ 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ મફત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે દેશમાં 527 કરતા વધારે નેશનલ હાઈવે પર   ફાસ્ટેગ આધારિત ટોલ કલેક્શન વ્યવસ્થા ચાલુ કરી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે એનએચ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ડિજિટલ રીતે સંગ્રહ વધારવા માટે એનએચએઆઇએ ફાસ્ટેગનો 100 રૂપિયા ચાર્જ નહીં લેવાનો નિર્ણય લીધો છે. આ તારીખ 15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી, 2020 દરમિયાન મફત ઉપલબ્ધ થશે. ઈચ્છુક વ્યક્તિ વાહનના કાયદેસર રજિસ્ટ્રેશન પ્રમાણપત્રની સાથે કોઈપણ વેચાણ કેન્દ્ર પરથી ફાસ્ટેગ મફતમાં લઈ શકે છે. એનએચએઆઇ ફાસ્ટેગ તમામ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા, ક્ષેત્રિય પરિવહન કાર્યાલય, પરિવહન કેન્દ્ર, પેટ્રોલ પંપ સહિત નક્કી કરવામાં આવેલી જગ્યા પરથી લઈ શકાય છે. નિવેદન મુજબ, ફાસ્ટેગ વેચાણ કેન્દ્રનું સરનામું માય ફાસ્ટેગ એપ અથવા એનએચ હેલ્પલાઈન નંબર 1033 પર કોલ કરીને જાણી શકો છો.