મોરબી : વાવડી રોડ પર ક્રિષ્ના સોસાયટીમાં નગરપાલિકાના પૂર્વ કર્મચારીના ઘરે અંદાજે રૂ. 9 લાખની ચોરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 11, મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટી (કે.જી.એન પાર્ક)માં ગતમોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં આ સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને તેમાંથી અંદાજે રૂ. 9 લાખની કિંમતી માલમતાની ઘરફોડ ચોરી કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મકાનના માલિક વૃદ્ધ બહારગામ જતા તેના પુત્ર-પુત્રી બાજુમાં ફઈબાના ઘરે સુવા ગયાને પાછળથી તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હતું. આ ચોરીના બનાવની જાણ થતાં એલસીબી, એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

આ ઘરફોડ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટી (કે.જી.એન પાર્ક)માં રહેતા અને નગરપાલિકાના પૂર્વ કર્મચારી હાસમભાઈ ઉંમરભાઈ રાઉમા ઉ.વ.61 નામના વૃદ્ધ રીક્ષા ચાલવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ હાસમભાઈ રાઉમા ચાર દિવસથી કામસર બહારગામ ગયા હતા. આથી, ગતરાત્રે તેમના પુત્ર અને પુત્રી તેમનું મકાન બંધ કરીને બાજુમાં રહેતા ફઈબાના ઘરે સુવા ગયા હતા. પાછળથી વૃદ્ધના બંધ રહેલા મકાનમાં તસ્કરો ખબકયા હતા અને આ મકાનમાંથી તસ્કરો અંદાજે સાડા સાત તોલાના સોનાના દાગીના અને બે કિલો ચાંદી મળીને અંદાજે રૂ. 6 લાખના દાગીના તથા રૂ. 3 લાખ રોકડા મળીને કુલ રૂ. 9 લાખની કિંમતી માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેમાં તસ્કરોએ તેમના મકાનમાં બહારથી નકુચો તોડીને આ ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.