ટ્રાફિક નિયમ અમલી થયા બાદ હેલ્મેટ ચોરીના cctv સામે આવી રહ્યા છે : અમુક લોકો તપેલી હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-9, નવા નિયમોના અમલની સાથે રાજકોટમાં હેલ્મેટની ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાજ્યમાં આજથી ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. ટ્રાફિક પોલીસ લોકોને સમજાવવાની સાથે સાથે નિયોમોનું પાલન કરતા લોકોને દંડી રહી છે. બીજી તરફ રાજકોટમાંથી હેલ્મેટની ચોરીનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યારે રાજકોટ અને જેતપુરમાં તપેલીનું હેલ્મેટ પહેરનાર વ્યક્તિઓના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ટ્રાફિકના નવા નિયમ લાગુ થતાં પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિઓને રૂ. 500નો દંડ આપવાનું શરૂ કરી દીધું છે. લોકોએ રૂ. 500ના દંડનો ખૂબ વિરોધ કર્યો છે. બીજી તરફ શહેરમાં હેલ્મેટને બદલે તપેલી પહેરીને બાઇક પર જતાં એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં કાલાવાડ રોડના કેકેવી હોલથી ક્રિસ્ટલ મોલ તરફ એક યુવક માથામાં તપેલી પહેરીને જતો દેખાઈ રહ્યો છે. જયારે અન્ય એક વિડીઓમાં તક મળતા યુવક રસ્તા પર પાર્ક થયેલી બાઇકના હેન્ડલમાં લગાવેલું હેલ્મેટ લઈને ફરાર થઈ જાય છે.

તપેલીનું હેલ્મેટ : જેતપુરમાં તપેલીનું હેલ્મેટ પહેરીને ફરતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. અહીં એક વૃદ્ધ શહેરમાં તપેલીનું હેલ્મેટ પહેરીને ફર્યાં હતાં. વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની પાસે હેલ્મેટ ખરીદવાના પૈસા હોવાથી તેઓ તપેલીનું હેલ્મેટ પહેરીને ફરી રહ્યા છે. તપેલીનું હેલ્મેટ પહેરીને ફરી રહેલા વૃદ્ધ વ્યક્તિ એવું પણ કહી રહ્યા છે કે વૈકલ્પિક વ્યવસ્થા છે. તેમના કહેવા પ્રમાણે કાયદાનું માન જાળવવા માટે તેમણે તપેલીનું હેલ્મેટ પહેરી રાખ્યું છે.