મોરબીની જનતા કહે પુકાર !!યાતનાઓથી છોડાવો સરકાર!

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 5-9, મોરબી શહેરને વરસાદી પાણીએ જાણે બાનમાં લીધું હોય તેમ શહેરની ગલી ગલીમાં પાણી ભરાયા છે. એમાં પણ ખાસ કરીને શનાળા રોડ પર સરદારબાગ પાસે તો રીતસર તળાવ ભરાય છે. આ જગ્યાએ કાયમને માટે સમસ્યા રહે છે. અહીં પસાર થતા લોકોને કાયમ ત્રાસ ભોગવવો પડે છે.

સામાન્ય વરસાદમાં પણ આ જગ્યામાં ખુબ પાણી ભરાય જાય છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી  છે. 

જયારે વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓના ચીથડે ચીથડાં ઉડી ગયા છે. જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અધૂરામાં પૂરું બાકી રહેતું હોય તો રખડા ઢોરોએ શહેરના મુખ્ય માર્ગો પાર અડિંગો જમાવી શહેરની ટ્રાફિક સમસ્યા ઔર બદતર કરી દીધી છે.

એટલાથી પણ સમસ્યા અટકતી નથી તો ગટરના પાણી ઉભરાતા ભયંકર દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આવી પરિસ્થિતિમાં તંત્ર  યુદ્ધના ધોરણે કામ કરે તે ખુબ જરૂરી છે. અન્યથા લોકોની સહનશક્તિ હદ પાર થશે તો તંત્રએ લોકોના ભારે આક્રોશનો સામનો કરવા તૈયાર રહેવું જોશે  (તસ્વીર : વિશાલ દવે)