રાજકોટ: 5 દિવસમાં 12 લાખથી વધુ લોકોએ માણી “મલ્હાર” મેળાની મોજ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 27-8, રાજકોટઃ રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીની પાંચ દિવસ ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારિકા રહ્યા અને સોમનાથ પાસે જ અંતિમ શ્વાસ લીધા હતા. જેના કારણે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું મહત્ત્વ વધુ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં રાજાશાહી સમયથી લોકમેળાની શરૂઆત થઇ હતી અને હવે જિલ્લા વહીવટી તંત્ર લોકમેળાનું રેસકોર્સ ખાતે આયોજન કરે છે. પાંચ દિવસના આ મેળાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે ખુલ્લો મુક્યો હતો. પાંચ દિવસ દરમિયાન રાજકોટ ઉપરાંત અન્ય શહેરમાંથી 12 લાખથી વધુ લોકો આ મેળાની મોજ માણી હતી. લોકમેળામાં ફજત ફાળકા, રમકડાંના સ્ટોલ પર પ્રથમ દિવસથી લાઇનો જોવા મળી હતી. રંગીલા રાજકોટના મેળાનું દૃશ્ય પણ રંગબેરંગી દેખાઈ રહ્યું છે.

    લોકમેળામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકમેળમાં લોકો મેળે મેળે જ આવે છે. વર્ષોથી અહીં મેળો થાય છે અને હું પણ નાનપણમાં મેળાની મોજ માણતો આવ્યોછું. અગાઉ શાસ્ત્રી મેદાનમાં થતો ત્યાં ટ્રાફિક થતા રેસકોર્સમાં થાય છે અને હવે નવા રેસકોર્સમાં લોકમેળો કરવાના સૂચનો આવી રહ્યા છે. કૃષ્ણ ભગવાનને સૌરાષ્ટ્ર પ્રિય હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થાય છે.