મોરબી: ચોતરફ ગંદકીના ગંજ વચ્ચે તહેવારો ઉજવવા લોકો મજબુર : ભૂગર્ભ ગટરની જવાબદારી સંભાળવા પાલિકાના ઠાગાઠૈયા

    (દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-8, ચોમાસાએ વિરામ લીધાને દિવસો થઇ ગયા છતાં પણ મોરબી પાલિકા દ્વારા ગંદકીનો નિકાલ કરવાની કામગીરી પુરી કરી નથી, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમીના તહેવારો આવી ગયા પણ ચોમેર ગંદકી, ઉડતી ધુળની ડમરીઓ અને ઉભરાતી ગટરોની સમસ્યા હજુ પાલિકા નિકાલ કરી શકી નથી, ગંદીક ગંજ વચ્ચે મોરબી શહેરના કૃષ્ણ જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવી પડશે ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની જવાબદારી અને કામગીરી સામે વેપારીઓ સહિતના લોકો દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. 

    મોરબી શહેરના લોકોને ગટરની ગંદકીની પીડામાંથી કાયમી ધોરણે મુક્તિ મળે તેના માટે દોઢસો કરોડથી વધુનો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જો કે, નવી ભૂગર્ભ ગટરની જવાબદારી સાંભળવામાં પાલિકાના ઠાગાઠૈયા કરી રહી છે જેથી કરીને નગરજનોની હાલાકીમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે તેમ છતાં પણ પાલિકાના અધિકારી કે પદાધિકારીના પેટનું પાણી હાલતું નથી અને આટલુ જ નહિ પાલિકાને ગટરની સફાઈ માટે જે વાહનો પાણી પુરવઠા બોર્ડ પાસેથી લેવાના થાય છે તેમાંથી અડધા વાહનો લઇ લીધા પછી બાકીના વાહનોની લેવામાં પણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઠાગાઠૈયા  કરવામાં આવી રહ્યા હોવાનું પાણી પુરવઠા બોર્ડના અધિકારી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે