આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી: NDRF ની 17 ટુકડી તૈનાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 09-8 વરસાદી સિસ્ટમ 8મી ઓગસ્ટે ગુજરાત સુધી પહોંચતા રાજ્યનાં વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. જેના કારણે 8મી ઓગસ્ટથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

10મી ઓગસ્ટે તો મોરબી સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના એંધાણ જણાતા વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટુકડીઓ ડીપ્લોય કરાઈ છે તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

 
 
 
 
 

 

ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં મોટા ભાગે સુરત, ડાંગ, નવસારી, વલસાજ, તાપી, દમણમાં 9 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

જીએસડીએમએના એડીશનલ સીઇઓ વિક્ટર મેકવાન અને રાહત નિયામક કચેરીના નાયબ સચિવ જી.બી. મુગલરપરાના અધ્યક્ષસ્થાને વેધરવોચ ગ્રુપની બેઠક સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યના કુલ 41 તાલુકાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડયો હતો. જોકે, રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી કુલ 513.33 મીમી વરસાદ પડયો છે, જે સિઝનના સરેરાશ વરસાદનો 62.91 ટકા વરસાદ પડયો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. 

વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે સિંચાઇ, માર્ગ અને મકાન સરદાર સરોવર નિગમ, પાણી પુરવઠા બોર્ડ, ફોરેસ્ટ તથા આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહીને કરેલી કામગીરી તથા આયોજનની વિગતે ચર્ચા કરી હતી. 

………… Advertisements …………..