ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ દેવવ્રતે ટંકારાની મુલાકાત લીધી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી,  તા.27-7, ગુજરાતના  નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે વિશ્વ વિભૂતિ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી ગુરુકુળની મુલાકત લઈને હવનમાં ભાગ લીધો હતો અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના બોધ મંદિરના દર્શન કરીને મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિને પાવનધરા ગણાવી હતી. રાજ્યપાલે ગુરુકુળના વિકાસ માટે રૂ.11 લાખનું અનુદાન આપ્યું હતું.

રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે ટંકારાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ટંકારાના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતાલિયા, નથુભાઈ કડીવાર, સંજયભાઈ ભાગીયા, હઠીસિંહબાપુ સહિતના મહાનુભવો જોડાયા હતા.

ટંકારામાં રાજ્યપાલની મુલાકાતને પગલે જિલ્લા કલેકટર સહિતના વહીવટી તંત્ર તથા પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો. ટંકારામાં રાજ્યપાલનું આગમન થતા મહર્ષિ દયાનંદ આર્ય સમાજના પદાધિકારીઓ ,આર્યવીર દળ તથા ઉપદેશ વિદ્યાલયના વિધાર્થીઓ દ્વારા તેમનું ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે નિર્ધારિત સમયે ટંકારા આવી પહોંચ્યા બાદ મહર્ષિ દયાનંદ સરસ્વતી મંદિર તથા ગુરુકુળ અને તેમના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે મહર્ષિ દયાનંદ સ્વામીની ભાવવંદના કરીને તેમને કોટી કોટી વંદન કર્યા હતા. બાદમાં મંદિર અને ગુ ગુરુકુળમાં રહેલી મહર્ષિ દયાનંદ સ્વામીની સ્મૃતિઓ નિહાળીને ગદગદિત થયા હતા. ત્યારબાદ તેમણે હવનમાં ભાગ લઈને આહુતિ આપી હતી અને ગુરુકુળના વિકાસ માટે રૂ.11 લાખનું અનુદાન આપ્યું હતું.

આ તકે રાજ્યપાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓએ આવી વિશ્વ વિભૂતિના જન્મસ્થળની મુલાકાત લેવા બદલ પોતાની જાતને સૌભાગ્યશાળી માને છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે હું આર્ય સમાજ સાથે સંકળાયેલો ન હોત તો અહીંયા ન હોત. સ્વામી દયાનંદ સ્વામીએ વેદ ધર્મનો પ્રચાર કરીને સામાજિક અને રાષ્ટીય ચેતના જગાવવા ભારે યોગદાન આપ્યું છે. તેથી સમગ્ર દેશવાસીઓ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશન વિકાસ માટે યોગદાન આપે તેવી અપીલ કરી છે. તેઓ ટંકારાની મુલાકાત લઈને રાજકોટ જવા રવાના થયા છે.

…………………………………. Advertisements ………………………………..