મોરબીના રામચોક પાસે બે આખલા બાખડયા : એકટીવા ચાલક યુવતી માંડમાંડ બચી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી,  મોરબી : મોરબીના શનાળા રોડ પર રામચોક પાસે જાહેર રોડ પર આજે સમી સાંજે બે ખુટિયાઓ બાખડી પડ્યા હતા. જોકે છુંટા પડ્યા બાદ પણ આખલા યુદ્ધ થવાથી ભારે ટ્રાફિક ધરાવતા આ માર્ગ પર કરફ્યુ જેવી કપરી હાલત થઈ ગઈ હતી અને આખલાની હડફેટે એક બાઈક ચાલક વૃદ્ધ ચડી જતા તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે એક એકટીવા ચાલક યુવતી માંડ માંડ બચી હતી.

મોરબીમાં રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો કે રોડ ઉપર આખલાઓ બખડતા હોય તો વાહન ચાલકોને ત્યાંથી નીકળવામાં કંપારી છૂટી જાય છે. કારણ કે આખલાના હડફેટે ચડી જવાથી જાન ઉપર જોખમ રહે છે. તંત્રની ઢીલી નીતિના પાપે ખુલ્લા સાંઢની માફક રખડતા આખલાઓનો ખોફ વધી ગયો છે. જેમાં આજે તો આખલાઓએ મોરબીના શનાળા રોડ પરના રામચોક જેવા ભારે ટ્રાફિક ધરાવતા માર્ગને રીતસર બાનમાં લેતા ભારે અફડા તફડી મચી ગઇ હતી. રામચોક પાસે રોડ પર બે ખુટિયાઓ અચાનક ભૂરાટા થયા હતા અને જોતજોતમાં બને ખુટિયાઓ એકબીજા સામે શિંગડા ભરાવીને યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું. જોકે થોડીવાર પછી આ ખુટિયાઓને છુંટા પડ્યા બાદ ફરી લડાઈ કરી હતી. તેથી એક વૃદ્ધ વાહન ચાલક ખુટિયાની હડફેટે ચડી જતા તેમને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે એક એકટીવા ચાલક યુવતી ખુટિયાની હડફેટે ચડતા ચડતા માંડ બચી હતી પણ ખુટિયાઓના આંતકથી રામચોક પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. મોરબીમાં રઝળતા ઢોરનો ત્રાસ વધતો હોવાથી તંત્ર યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે.

…………………………………. Advertisements ………………………………..