‘વાયુ’ ફંટાતા આફત ટળી છતાં ગુજરાતમાં ભારે વરસાદની ભીતિથી તંત્ર એલર્ટ

સૌરાષ્ટ્રના દસ જિલ્લામાંથી સ્થળાંતર કરાયેલા લોકોને સલામત સ્થળે જ રહેવા અપીલ-શુક્રવારે સવારે સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય કરાશે-તંત્ર અને લોકોના સહયોગથી ગુજરાતે ત્રણ દિવસ કુદરતી આપત્તિ સામે લડત આપી: સીએમ રૂપાણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ), છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત ઉપર તોળાતા દરિયાઇ વાવાઝોડુ ઓમાન તરફ વળી જતા મોટી આફત ટળી ગઇ  હોવાનો હાશકારો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. જો કે વાવાઝોડુ ફંટાઇ ગયું છતાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેવી અસરોને જોતા ગુરુવારની રાત સમગ્ર તંત્રને સલામતી માટે હાઇ એલર્ટ ઉપર અને ૨૪ કલાક સ્ટેન્ડ ટુ રાખવાનો નિર્ણય લેવાયો છે. શુક્રવારે સવારે સમીક્ષા પછી સ્થિતિ અંગે વધુ નિર્ણય લેવાશે તેવું હાઇપાવર કમિટીની મીટીંગમાં નક્કી થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વાવાઝોડાથી સૌથી જોખમી અસરગ્રસ્ત થવાની ભીતિ હતી તેવા સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાઓમાં સ્થળાંતર કરાયેલા લોકો પણ રાત્રે સલામત સ્થળે જ રહેશે અને શુક્રવારે પણ શાળાઓ બંધ રાખવામાં આવશે. આ જિલ્લાઓમાં જે પ્રભારી મંત્રીઓ-સચિવો ગયા છે તેમને પણ સવાર સુધી ત્યાં જ રોકાવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું હોવાનું કહેતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે મળેલી હાઇપાવર કમિટીમાં હવામાન વિભાગના તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા અને તે મીટીંગમાં વાવાઝોડું ત્રાટકવાનો ખતરો ટળી ગયો છે તેમ છતાં ભારે વરસાદ થાય તેવી સ્થિતિમાં કોઇ જોખમ લેવું હિતાવહ નથી તે જોતા શુક્રવારે સમગ્ર સ્થિતિ જોઇને શું કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે. 

ખાસ કરીને વરસાદ વધે કે અન્ય કોઇ રીતે મુશ્કેલી ઉભી થાય તે સંજોગોમાં દરિયાઇ કાંઠા નજીકના દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ અને અમરેલીમાં વધુ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે જાનમાલની કોઇપણ સ્થળે હાનિ થવા પામી નથી તેમ છતાં કોઇપણ સ્થળે સરકારની જે મદદની જરૂર હશે તો તે માટે અમારી તૈયારી છે. 

સરકાર દ્વારા કોઇપણ પ્રકારનું નુકસાન ના થાય તે માટે જે રીતે ત્રણ દિવસથી વ્યવસ્થા ગોઠવાઇ અને અભિયાન ચલાવવામાં આવ્યું તેમાં સારી રીતે સહકાર આપવા બદલ નાગરિકોનો આભાર માનતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારી તંત્ર, એનજીઓથી લઇને તમામ લોકોએ વાવાઝોડા સામે જંગ ચલાવ્યો અને સદ્દનસીબે કોઇ મુશ્કેલી આવી નથી. હવામાન ખાતા સહિતના સરકારી વિભાગો સાથે પણ સારી રીતે સંકલન કરવામાં આવ્યું હતું. 

વાવાઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસુ મોડુ આવી શકે છે તેવા સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબત આમ તો કુદરત ઉપર નિર્ભર છે પરંતુ રાજયમાં ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલી પીવાના પાણીની વ્યવસ્થા છે. 

સીએમ રૂપાણીએ બુધવારે રાત્રે પણ ગાંધીનગર ખાતેના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લઇને સમગ્ર વ્યવસ્થા તંત્ર સુચારૂ રીતે ગોઠવાયેલું છે તેની સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યું હતું. મોદીએ કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે છે તેવી ખાતરી સાથે ગુજરાતના પ્રજાજનો માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ અને સહાયની ખાતરી પણ આપી હતી.