(દિવ્યક્રાંતિ ન્યુઝ) લોકસભાની ચૂંટણી દરમિયાન રાફેલનો મુદ્દો ખૂબ જ ઉછળ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખા ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન રાફેલને લઈ પીએમ મોદી પર પ્રહાર કર્યા. હવે દેશના દરેક વ્યક્તિને રાફેલ વિશે જાણ છે. જો કે આશ્ચર્યજનક વાત એ છે કે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસની સામે આ જ ‘રાફેલ’ તૈનાત કરી દેવાયું છે.
24 અકબર રોડ પર જ્યાં કોંગ્રેસ પક્ષની મુખ્ય ઓફિસ આવેલી છે, ત્યાં જ હાલના વાયુસેના પ્રમુખ બી. એસ. ધનોઆએ રાફેલ તૈનાત કર્યું છે. કોંગ્રેસ ઓફિસની નજીક જ વાયુસેના ચીફ બી. એસ. ધનોઆનું ઘર આવેલું છે. તેમણે પોતાના ઘરની બહાર રાફેલની પ્રતિકૃતિ લગાવી છે. આ પ્રતિકૃતિ દિલ્હીના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
કેટલાક દિવસો પહેલા જ બી. એસ. ધાનોઆની આગેવાનીમાં ભારતીય વાયુસેનાએ મિગ 21 ફાઈટર જેટની સક્વોડ્રન દ્વારા શહીદોના પરિવારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા સમયે તેમણે કહ્યું હતું કે વાયુસેના ફાઈટર જેટની બેસબ્રીથી રાહ જોઈ રહી છે.
ત્યારથી જ તેમના આ નિવેદનને લઈ ચર્ચા ચાલી રહી હતી. હવે રાફેલ વિમાનની પ્રતિકૃતિ ધાનોઆના ઘરની બહાર લાગી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં રાફેલ વિમાન ભારત આવશે. આ પ્રતિકૃતિ પરથી સ્પષ્ટ છે કે ભારત સરકાર આ મામલે પોતાના વલણ પર અડગ છે.