મોદી સરકારની મસૂદ અઝહર પર કૂટનીતિક સ્ટ્રાઈક : અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દેવાયો

જૈશ-એ-મોહમ્મદના સરગણા મસૂદ અઝહરને આખરે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે મળેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં રહેલા ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, તમામ દેશો સાથે મળીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ ચીને પોતાના નરમ વલણના સંકેત આપતા જણાવ્યું હતું કે, તેઓ આ વખતે મસૂદ અંગે હકારાત્મક વલણ દાખવશે. તેઓ આ વખતે આ પ્રક્રિયામાં નડતરરૃપ નહીં બને તેવા પણ સંકેત આપ્યા હતા. આ જ મુદ્દે ચીને માર્ચ 2016થી અત્યાર સુધીમાં ચાર વખત ભારતના પ્રયાસોને ટેક્નિકલ કારણો આપીને નિષ્ફળ બનાવ્યા હતા. આતંકના આકા પાકિસ્તાનને ખુશ કરવા માટે ચીન દ્વારા દર વખતે વિટો વાપરીને ભારતને પછડાટ આપવામાં આવતી હતી.

મસૂદ અત્યારે પણ પાકિસ્તાનની રહેમ નજર હેઠળ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાલાકોટમાં ભારતે કરેલી એરસ્ટ્રાઈક બાદ મસૂદ અઝહરને પાકિસ્તાન સતત બચાવી રહ્યો છે. તેણે પહેલાં બહાવલપુરમાં મસૂદને નજરકેદ રાખ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની વકીએ તેને ઈસ્લામાબાદમાં જ કોઈ સુરક્ષીત જગ્યાએ સંતાડી દીધો છે. પાકિસ્તાને મસૂદને રહેમ નજર રાખીને સુરક્ષીત સાચવી રાખ્યો છે.

ચીને પાકિસ્તાનને પહેલેથી જ સંકેત આપી દીધો હતો

મહત્ત્વની વાત એ છે કે, ચીને બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો જે નિર્ણય જાહેર કર્યો તેના સંકેત તેણે પહેલાં જ પાકિસ્તાનને આપી દીધા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન હાલમાં ચીનના પ્રવાસે છે. આ દરમિયાન તેમની મુલાકાત ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પણ થઈ હતી. આ મુલાકાત દરમિયાન ચીને મસૂદ અઝહર અંગેના તેમના વલણની જાણકારી ઈમરાનને આપી દીધી હતી. પુલવામા હુમલા બાદ ચીન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ વધી ગયું હતું અને તેથી જ તેણે પોતાની આડોડાઈ છોડવી પડી હતી.