૨૬થી ૨૮ એપ્રિલ દરમ્યાન રાજ્યમાં હિટવેવની આગાહી

રાજસ્થાન તરફથી ગરમ પવન ફૂંકાતાં ઉનાળો આકરાં પાણીએ થાય એવી વકી

ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતના મોટા ભાગનાં શહેરનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે.

ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાયો છે, જેને પગલે રાજ્યમાં ૨૬ થી ૨૮ એપ્રિલ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફુંકાશે. અમદાવાદમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે અને ૨૬ એપ્રિલ માટે અમદાવાદમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે ત્યારે આ આવનારા દિવસોમાં તાપમાન ૪૩થી ૪૪ સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

૨૩ એપ્રિલના રોજ મતદાન સમયે ગુજરાતવાસીઓએ ૪૩ ડિગ્રી ગરમીના પારા વચ્ચે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બપોર સુધી ઓછું મતદાન નોંધાયું હતું.

અરવલ્લી જિલ્લામાં બુધવારે ૪૨ ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે. ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જતા લોકો પરેશાન થયા છે. તો અન્ય શહેરોમાં પણ પારો ૪૨ થી ૪૩ ડિગ્રીની આસપાસ રહ્યો છે. મોરબીમાં પણ ગરમીનો પારો હાલ વધુમાં વધુ 34 ડિગ્રી નોંધાયો છે જે હીટવેવ દરમિયાન પારો ઉંચો આવી શકે છે.

………………………. Advertisements ………………………